(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા.૮
ભરૂચ શહેરમાં આજે નવ જેટલી સામાજિક સંસ્થાના અનેક આગેવાનોએ બહુજન ક્રાંતિ મોરચાના નેજા હેઠળ ભરૂચ રેલવે સ્ટેશનથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી યોજી સીએએ અને એનઆરસીના કાયદાનો વિરોધ કરીને ૧ર મુદ્દાને લખતું લેખિત આવેદનપત્ર આપી આ કાયદાઓ રદ્દ કરવાની માગણી કરી હતી. દેશભરમાં હાલ તો જાગૃત લોકો દેશમાં સીએએ અને એનઆરસીના કાયદા અંગે વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રની સરકારે અંગ્રેજો જેવી નીતિ અપનાવી સીએએ અને એનઆરસીનો વિરોધ કરનારા લોકો ઉપર પોલીસ દ્વારા દમન ગુજારવાનું શરૂ કરતા તેના ઘણા ગંભીર પડઘા પડી રહ્યા છે. જેના ભાગરૂપે આજે દેશમાં પ૮૦થી વધુ જગ્યાએ રાષ્ટ્રપતિને સંબોધીને સીએએ અને એનઆરસીનો કાયદો રદ્દ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યા છે. જેમાં ભરૂચ શહેરમાં બહુજન ક્રાંતિ મોરચાના નેજા હેઠળ ૧ર સંસ્થા કે જેમાં ભારત મુક્તિ મોરચા, રાષ્ટ્રીય મૂલ નિવાસી મહિલા મોરચા, મૂળ નિવાસી સંઘ, જમિયતે ઉલ્મા-એ-હિંદ, ભારતીય વિદ્યાર્થી મોરચા, હ્યુમન રાઈટ્‌સ એન્ડ સોશિયલ જસ્ટિસ જેવી સંસ્થાના આગેવાનો, કાર્યકર્તાઓએ ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી બેનરો સાથે સીએએ અને એનઆરસી કાયદાનો વિરોધ કરતી રેલી યોજી હતી. આ હજારો લોકોની રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી ત્યાં કેન્દ્ર સરકારના કાળા કાયદાને રદ્દ કરવાની માગણી કરતા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જ્યારે આજે ૧ર મુદ્દાઓને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.