(સંવાદદાતા દ્વારા) ભરૂચ,તા.૧૬
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તબલીગ જમાતના સભ્યનો કોરોના વાયરસના સેમ્પલ લેતા સંક્રમિત થયેલી બે મહિલા નર્સનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતાં તેમના રહેણાંક વિસ્તાર સહિત તેઓ જે હોટલમાં તકેદારી રૂપે રાખવામાં આવ્યા હતા. તે વિસ્તારો ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
બન્ને નર્સ જ્યાં રહે છે તેવા મકતમપુરના તેમના રહેણાંક વિસ્તારોને જિલ્લા ક્લેક્ટર દ્વારા તાત્કાલિક ક્વોરન્ટાઈન એરિયા જાહેર કરી લોકોની બિનજરૂરી અવર-જવર પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જેમાં મકતમપુર ગામના બોરભાઠાબેટ વિસ્તારની સોસાયટી આદિવાસી વિસ્તારમાં નર્મદા બંગ્લોઝ કે જ્યાં નર્સ મહિલાનો પરિવાર રહે છે. તે સોસાયટીને ક્વોરન્ટાઈન કરી તપાસ શરૂ કરી છે. નર્સના પરિવારજનોને હાલ આરોગ્ય તપાસ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે જિલ્લા ક્લેક્ટર એમ.ડી. મોઢિયા દ્વારા જ્યાં ગઈકાલે પોઝિટિવ કેસ દેખાયા છે. તેની ત્રિજ્યાના ૭ કિ.મી.માં આવતા વિસ્તારોમાં નર્મદા બંગ્લોઝ, મિતલ ટેનામેન્ટ, પ્રસાદ સોસાયટી, સંતકૃપા સોસાયટી, નિજધામ સોસાયટી, ત્રિશુલ સોસાયટી તેમજ જ્યાં સિવિલ હોસ્પિટલનો સ્ટાફ રોકાયો હતો. તે વોર્ડ નં.૭ની હોટલ એપલ ઈનની ત્રિજ્યાના ૧૦૦ મીટરના વિસ્તારને ક્વોરન્ટાઈન એરિયા જાહેર કરી દેવામાં આવ્યો છે. જ્યારે ભરૂચ નગરપાલિકા વિસ્તાર નજીકના ઝાડેશ્વર ગામ, જુના તવરા, વડદલા, રહાડપોર, ઉમરાજ, નંદેલાવ, ચાવજ, શેરપુરા વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યા છે.