(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા.૨૯
ભરૂચમાં લેડી સિંઘમ પીએસઆઈના હાહાકારથી બુટલેગરોમાં ફફડાટની લાગણી છવાઈ હતી તો બીજી તરફ દાંડિયા બજાર ખાતે મહિલા બુટલેગરને ટીંગાટોળી કરી લાવતા ઘાયલ મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી અને પોલીસની આ પ્રકારની કાર્યવાહીના પગલે સ્થાનિકોમાં રોષની લાગણી છવાઈ હતી. બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ભુગુઋષિ મંદિર નજીક દારૂનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે દાંડિયા બજાર પોલીસ મથકની લેડી સિંઘમ પીએસઆઇ બી.જી. યાદવે રેડ કરી હતી. પીએસઆઈની રેડને પગલે એક સમયે સ્થળ ઉપર લોકટોળા ભેગા થઇ જવા પામ્યા હતા તો બીજી તરફ મહિલા બુટલેગર મધુબેન મકવાણાને તેઓના મકાન ખાતેથી પોલીસ કાર્યવાહીમાં ટીંગાટોળી કરી ઉચકી જીપમાં લઇ જતા હોવાનો વીડિયો લેડી સિંઘમની કાર્યવાહી બાદથી સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. પોલીસ કાર્યવાહી સમયે મહિલા બુટલેગર નાદુરસ્ત તબિયત ધરાવતા હોવાના કારણે અને પોલીસ કાર્યવાહી દરમિયાન કમરના ભાગે ઈજાઓ પહોંચી હોવાના કારણે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે તેઓને દાખલ કરવામાં આવી હતી. બુટલેગર મધુબેન મકવાણાએ મહિલા પોલીસકર્મી ખોટી હેરાનગતિ કરી મોઢે દુપટ્ટો બાંધી ઘુસી જઇ રૂપિયાની માગણી કરી તેઓને ત્યાં કેરોસીન છાતી મારવાનો પ્રયત્નો કરતા હતા. તેવા આક્ષેપ પોલીસ કાર્યવાહી બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ મહિલાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.