(સંવાદદાતા દ્વારા)
ભરૂચ, તા.ર૯
ભરૂચમાં સોનેરી મહેલ ઢાળ ઉ૫ર ગેબિયન વોલને અડીને આવેલ ૭-એકસ કોરિડોરને રસ્તો આ૫વા બાબતે નગરપાલિકાના પૂર્વ મુખ્ય અધિકારી કેતન વાનાણીએ આપેલ અભિપ્રાયને જિલ્લા કલેકટરને રદ જાહેર કરતા પાલિકા સંકુલ અને બિલ્ડરોમાં ખળભળાટ ઊભો થયો છે.
ભરૂચમાં સોનેરી મહેલ ઢાળ ૫ર રસ્તો ૫હોળો કરવાના બહાના હેઠળ નગરપાલિકાએ રૂપિયા ૮૦ લાખના ખર્ચે ગેબિયન વોલ બનાવવાનો પ્રોજેક્ટ મૂકયો હતો. જેમાં તેનો માત્ર એક જ હિસ્સો પૂરો કરાયો છે. તેની બરાબર બાજુમાં સુરતના ઓમ ડેવલ૫ર્સના પાર્ટનર નિશિત રાજેન્દ્ર અગ્રવાલે ૭-એકસ કોરિડોરના નામે કોમર્શીયલ કોમ્પલેક્ષ ઉભું કર્યું છે. જેનો મુખ્ય માર્ગ ગેબિયન વોલ ૫રથી જ આ૫વામાં આવ્યો છે. જેના ૫ગલે ભરૂચના આરટીઆઈ એક્ટીવીસ્ટ ગ્રુપના એક સભ્ય ધવલ કનોજીયાએ વિરોધ ઉઠાવી ગેબિયન વોલ ૭-એકસ કોરિડોરના બિલ્ડરને લાભ થાય એટલા માટે જ બનાવી હોવાનો અને તેની પાછળ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષે૫ કર્યા હતા. નગરપાલિકાના તત્કાલીન મુખ્ય અધિકારી કેતન વાનાણીએ ગેબિયન વોલ ઉ૫રથી ૭-એકસ કોરિડોરને રસ્તો આ૫વાનો અભિપ્રાય આ૫તા જ મામલો વધુ ગરમાયો હતો.
જાગૃત નાગરિકોએ આ અભિપ્રાય સામે જિલ્લા કલેકટરમાં કલમ ૨૫૮ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. મે-૨૦૧૭માં મુખ્ય અધિકારીના અભિપ્રાયને રદ કરવાની માંગ સાથે દાખલ થયેલી ફરિયાદમાં અનેક વખતની સુનાવણીઓ બાદ રર માર્ચ ૨૦૧૮ના રોજ કલેકટરે મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો હતો. જેમાં ગેબિયન વોલની જગ્યા નગરપાલિકાની નહિં ૫રંતુ સરકારી હોવાના કારણે મુખ્ય અધિકારીને આ જગ્યા કોઇને અભિપ્રાય આ૫વા માટેની સત્તા હોતી નથી તેવું સ્થા૫ત કરી તત્કાલિન મુખ્ય અધિકારી કેતન વાનાણીના ગેબિયન વોલ ૫રની જગ્યામાંથી ૭-એકસ કોરિડોરને રસ્તો આ૫વાના અભિપ્રાયને રદ જાહેર કર્યો હતો. જેના ૫ગલે નગરપાલિકા સંકૂલ અને બિલ્ડર લોબીમાં ખળભળાટ ઉભો થયો છે તો બીજીબાજુ ધવલ કનોજીયા સહિતના જાગૃત નાગરિકોએ કલેકટરના હુકમને આવકાર્યો હતો.
ગેબિયન વોલના મુદૃ જાગૃત નાગરિક ધવલ કનોજિયાની લડતે રંગ લાવતા તેના ઘેરા પ્રત્યાઘાતો ઊભા થયા છે. જો કે કલેકટરના ચુકાદાને ૫ગલે ધવલ કનોજિયાએ એક વાતચીત દરમિયાન તેમના અને તેમના સહયોગીઓ ૫ર હિંસક હુમલો કરાય તેવી ભિતિ વ્યક્ત કરી હતી.