(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા.૬
ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ એસ. ટી. નિગમના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ પડતર માંગણીઓને લઇ વિરોધનો સુર ઉઠાવ્યો હતો. વર્ગ ૧થી ચાર સુધીના તમામ અધિકારીઓ કર્મચારીઓને સાતમાં પગાર પંચનો લાભ જાન્યુઆરી ૨૦૧૬થી મળે તેમજ ડ્રાઈવર તેમજ કંડકટરને વર્ગ ત્રણની કક્ષામાં આવતા હોય તે મુજબનું પગાર ધોરણ તેમજ અન્ય મળવા પાત્ર તમામ લાભો આપવામાં આવે તેવી માંગ કરી હતી.
આ ઉપરાંત કિલોમીટર પુરા થઇ ગયા હોય તેવા વાહનોને સંચાલનમાં ચલાવવામાં ન આવે. બસોમાં કિલોમીટરની જે મર્યાદા બાંધવામાં આવી છે તેનાથી વધુનો લક્ષ્યાંક આપવામાં ન આવે અને તે બાબતે કર્મચારીઓને કોઈ પણ બાબતની સજા કરવામાં ન આવે તે સહિત ની ૧૫ થી વધુ પડતર માંગણીઓ સાથે આજરોજ પોતાના કાર્ય દરમિયાન અધિકારીઓ તેમજ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો. કર્મચારીઓ સોમવારે અને મંગળવાર તેમજ બુધવારે પણ કાળી પટ્ટી લગાવીને વિરોધ નોંધાવશે અને આગામી ૧૩મી અને ૧૪મી ઓગસ્ટના રોજ એસ. ટી. નિગમ ખાતે સુત્રોચારનો કાર્યક્રમ તેમજ ૨૦મી અને ૨૧મી ઓગસ્ટના રોજ સરકાર તથા નિગમના મેનેજમેન્ટને સદબુધ્ધિ આવે તે માટે પણ કાર્યક્રમ યોજવામાં આવશે તેમ જણાવ્યું હતું.