(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા.ર
ભરૂચ જિલ્લાના દરિયાકાંઠાના ત્રણ તાલુકાના ૨૫ ગામોને એલર્ટ કરી તંત્ર દ્વારા સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવી છે અને ૨૪ કલાક કંટ્રોલરૂમ શરૂ કરી વાવાઝોડા દરમિયાન જરૂરી બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમ તેનાત કરી દેવામાં આવી છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાના કારણે ભરૂચ જિલ્લામાં તારીખ ૩ અને ૪ જૂને સંભવિત વાવાઝોડા અને વરસાદની આગાહીને પગલે તેમજ ૭૦થી સો કિલોમીટરથી પણ વધુ ઝડપથી પવન ફૂંકાય તેવા અનુમાનને પગલે જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ બની છે જેને લઇને દહેજ બંદર ખાતે હાલ તો એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. જ્યારે જ્યારે દરિયામાં માછીમારોને નહીં જવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે વાવાઝોડાની અસર પામતા ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકાના ૨૫ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ગામોમાંથી આજે સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જંબુસર, વાગરા, હાંસોટ તાલુકાના દરિયાકાંઠાના ગામોમાં મામલતદાર સહિતની બચાવ ટુકડી પહોંચી ગઈ છે. આજે વાગરાના ત્રણ ગામો જેમાં જાગેશ્વર, કલાદરા, લખીગામમાંથી ૪૦૦થી ૫૦૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે હાંસોટ તાલુકાના દરિયાકાંઠાના કંટીયાજાળ, કતપોરના ૧૩૨ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. જ્યારે પારડી, જેતપર, વાસ, નોલી, અંભેટા બોળદરા, સમની, વમલેશ્વર, આકલવા જેવા ગામોમાંથી ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને શિફ્ટિંગ માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. બીજી તરફ જંબુસર તાલુકાના દરિયાકાંઠાના માલપુર ગામે ૧૫ સરોદ, ૧૮ દેવલા, ૧૦૦ નાડા, ૧૪ મોનેઝા, ૨૧૦ ટકારી, ૧૮૦ ઝામડી ૧૩૩ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. ત્રણેય તાલુકાના મામલતદારોને જણાવ્યા અનુસાર જિલ્લા કલેકટર કન્ટ્રોલથી જે પણ આદેશ મળશે તે કરવાની પૂરેપૂરી તૈયારી કરી દેવામાં આવી હોવાનું જણાવ્યું હતું.