અંકલેશ્વર, તા.૧ર
ભરૂચ જીલ્લાની ચાર જેટલી પાણી પુરવઠાની યોજનાનું ખાતમુહૂર્ત આજરોજ રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું. રૂ.૩૮૭ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ યોજનાઓ થકી જીલ્લાની ૩.૪૫ લાખ જેટલી વસ્તીને પીવાનું શુદ્ધ પાણી મળી શકશે.
નર્મદા નદીના કિનારે આવેલ ભરૂચ જીલ્લાના અનેક ગામો પીવાના શુદ્ધ પાણીથી વંચિત છે. દરિયાનું ખારૂં પાણી અનેક વિસ્તારમાં ફેલાઈ જતા ભૂગર્ભ જળ ક્ષાર યુક્ત બન્યા છે અને પરિણામે લોકોને પીવાનું શુદ્ધ પાણી નથી મળી શક્યું. ત્યારે રાજ્ય સરકારની નલ સે જલ યોજના અંતર્ગત જીલ્લામાં રૂ.૩૮૭ કરોડના ખર્ચે પાણી પુરવઠાની ચાર જેટલી યોજનાઓ નિર્માણ પામશે. જેમાં નેત્રંગ-વાલિયા જૂથ યોજના, મધ્ય બારા જૂથ પાણી યોજના, ઝાડેશ્વર જૂથ પાણી યોજના તથા રૂંઢ-રાજપારડી જૂથ યોજનાનો સમાવેશ થાય છે. જેનું લોકાર્પણ આજરોજ મુખ્ય મંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ યોજના થકી નેત્રંગ વાલિયાના ૧૩૫ ગામો અને બે શહેરોની બે લાખ વસ્તીને લાભ મળશે તો મધ્ય બારા જૂથ યોજના અંતર્ગત ભરૂચ, વાગરા અને આમોદ તાલુકાના ૧૯ ગામોની ૩૯ હજાર વસ્તીને લાભ મળશે. ઝાડેશ્વર જૂથ પાણી યોજના અંતર્ગત ભરૂચ તાલુકાના ચાર ગામોની ૯૨ હજાર વસ્તી તથા રૂંઢ-રાજપારડી જૂથ યોજના અંતર્ગત ઝઘડિયા તાલુકાની ૭ હજાર જેટલી વસ્તીને લાભ મળશે.વાલિયાના સીતારામ નર્સિંગ કોલેજ કમ્પાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા, સહકાર મંત્રી ઈશ્વર પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસવા, ધારાસભ્યો ઈશ્વર પટેલ, અરૂણસિંહ રણા, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, સહકારી આગેવાન ઘનશ્યામ પટેલ, જીલ્લા ભાજપના પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં હાલમાં ૮૦ ટકા લોકોને નળ સે જળ યોજના અંતર્ગત ઘેર ઘેર પાણી મળી રહ્યું છે અને રુંક જ સમયમાં ૧૦૦ ટકા લોકોને પાણી મળશે. તેઓએ ઉમેર્યું હતું કે ભાડભૂત બેરેજ યોજનાથી ભૂગર્ભ જળ ખારૂં થતું અટકશે તથા દહેજ ખાતે ડી સેનિટેશન પ્લાન્ટ થકી દરિયાનું પાણી મીઠું કરવામાં આવશે જેથી જીલ્લાના પાણીના પ્રશ્નનો મહદ અંશે અંત આવશે. કમોસમી વરસાદ અંગે જણાવ્યું હતુ કે નુકસાની અંગે સર્વે કરી ખેડૂતોને વળતર ચુકવવામાં આવશે. ઉપરાંત તેઓએ દિલ્લીમાં ચાલી રહેલ ખેડૂત આંદોલન અંગે ટીપ્પણી કરતા જણાવ્યું હતું કે ખેડૂતોની આડમાં કેટલાક લોકો પોતાના રાજકીય રોટલો શેકી રહ્યા છે.
Recent Comments