ભરૂચ, તા.૮
દીલ્હીના નિઝામુદ્દીન મરકજમાં ધાર્મિક કાર્યક્રમ બાદ દેશભરમાં તબલીગ જમાતના લોકોના સ્વાસ્થયની તપાસ કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લામાંથી ૧૦૦ કરતાં વધુ જમાતીઓ સ્વેચ્છાએ સિવિલ હોસ્પિટલ ખાતે તપાસ માટે પહોંચ્યાં હતાં.નિઝામુદ્દીન ખાતે આવેલી મરકજમાં ધાર્મિક કાર્યક્રમમાં દેશ તથા વિદેશમાંથી તબલીગ જમાતના લોકોએ ભાગ લીધો હતો. માર્ચ મહિનામાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન અનેક લોકોના કોરોના વાયરસના કારણે મોત થયાં હતાં. કાર્યક્રમ બાદ અનેક જમાતીઓ પોત પોતાના રાજયોમાં પહોંચી ગયાં હતાં. ભરૂચ જિલ્લામાં પણ આ સંદર્ભમાં ૩૮ લોકોને હોમ કવોરન્ટાઇન કરાયાં છે. રાજય સરકારના આરોગ્ય વિભાગની અપીલ બાદ હવે તબલીગ જમાતના લોકો સામેથી આગળ આવી રહયાં છે. ભરૂચમાં ૧૦૦ જેટલાં જમાતીઓ સ્વયંભુ રીતે સિવિલ હોસ્પિટલ ખાતે તપાસ માટે પહોંચ્યાં હતાં. સિવિલના સ્ટાફે સંપુર્ણ તકેદારી સાથે જરૂરી નમુના લઇ તેને તપાસ માટે મોકલી આપ્યાં છે.