ભરૂચ, તા.૧પ
ભરૂચ જિલ્લામાં સરકારના અણધડ વહીવટ તેમજ તંત્રની બેદરકારીના પગલે કોરોના મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. હાલ કોરોના સંક્રમિતોનો સત્તાવાર આંકડો પ૧૬ નોંધાતા જિલ્લાભરના લોકોમાં ભય અને દેહશતની લાગણી વ્યાપવા પામી છે. કેન્દ્ર સરકારના લોકડાઉન અગાઉ સેફઝોન ગણાતા ભરૂચ જિલ્લામાં અનલોક બાદ પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે, આવનાર દિવસોમાં કોરોના મહામારી ભરૂચ જિલ્લામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો નવાઈ નહીં. ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજદિન સુધી અપાયેલ આંકડાકીય માહિતી અન્વયે જિલ્લામાં કુલ પ૧૬ કોરોના સંક્રમિત હતા જે પૈકી હાલ ર૧ર એક્ટિવ કેસો છે. જો કે, લોકોમાં જાગૃતતાનો અભાવ તેમજ કોરોનાની દહેશતના પગલે સંખ્યાબંધ લોકો કોરોના ટેસ્ટ વિના મુક્ત રીતે હરીફરી રહ્યા છે. ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાએ પગ પેસારો કરતા સ્થિતિ ભયજનક થવા પામી છે. એક તરફ વરસાદી માહોલમાં વાયરલ ઈન્ફેકશનના કેસો તેમજ સાથે કોરોનાના ભય વચ્ચે ગ્રામ્ય વિસ્તારમાં દવાખાનાઓ દર્દીઓથી છલકાઈ જવા પામ્યા છે. તો બીજી તરફ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ખાનગી દવાખાના હોસ્પિટલો સાથે સંકલનના અભાવે કોરોના પોઝિટિવ કેસો સરકારી ચોપડે નોંધાયા વગર જ રહી જાય છે. ચોંકાવનારી બાબત એ છે કે, જિલ્લાભરમાં સંખ્યાબંધ કોરોના ડેથના મામલાઓમાં ડેથ ઓડીટ રિપોર્ટના બહાના હેઠળ તંત્ર દ્વારા મરણાંક સંદર્ભે ઢાંકપિછોડા કરાઈ રહ્યાની પણ લોક ફરિયાદો ઉઠવા પામી છે. ભરૂચ જિલ્લા કલેક્ટર એમ.ડી. મોડિયા દ્વારા સવારે ૭થી ૪ વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાનો આદેશ કરી સંતોષ વ્યક્ત કરાયો છે જો કે, જિલ્લામાં જે પ્રકારે કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાય છે તે પ્રકારે ભરૂચ જિલ્લામાં કોરોનાની ચેઈન બ્રેક કરવા ૧૦-૧પ દિવસનો જડબેસલાક કર્ફ્યુ અનિવાર્ય હોય જિલ્લા કલેક્ટર તેને અમલમાં મૂકે તેવી લોકમાંગ ઉભી થવા પામી છે. સવિશેષ જિલ્લાની બોર્ડરો સિલ કરાય તે હાલના તબક્કે અનિવાર્ય છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા ૧૦ દિવસમાં ૧૦૮૭ લોકોના સેમ્પલ લેવાયા હતા જે પૈકી ર૦૧ લોકો કોરોના પોઝિટિવ નિકળ્યા હતા.

ભરૂચ જિલ્લામાં ર૦૦ બેડની હંગામી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા માંગ : અબ્દુલ કામઠી

ભરૂચ જિલ્લામાં કોરોના દર્દીઓની સારવાર કરતી જયાબેન મોદી હોસ્પિટલ તેમજ જંબુસરની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા સરેરાશથી વધુ હોય લોક જનશક્તિ પાર્ટીના જિલ્લા પ્રમુખ અબ્દુલ કામઠીએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ભરૂચ જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા ચિંતાજનક રીતે વધતી હોય તેમજ વડોદરા-સુરત ખાતે પણ હોસ્પિટલોમાં વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી ભરૂચ જિલ્લામાં તાત્કાલિક ર૦૦ બેડની હંગામી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા તેમજ કોવિડના દર્દીઓ માટે અલાયદી લેબ તાત્કાલિક ધોરણે શરૂ કરવા આહ્‌વાન કરાયું હતું.

…ભરૂચની પ્રજાએ સ્વયં જાગૃત્તિ કેળવવાની જરૂર : યુનુસ અમદાવાદી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ તેમજ કોરોના વોરિયર્સ તરીકે જિલ્લામાં મહત્ત્વનું યોગદાન આપનાર અગ્રણી યુનુસ અમદાવાદીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કપરા સમયે રાજ્ય અને કેન્દ્ર સરકારે રીતસર હાથ અધ્ધર કરી દીધા છે. ત્યારે સામાન્ય પ્રજાએ સ્વયં પોતાનીઃ પોતાના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવી પડશે. લોકો સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવા, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો તેમજ કામ વિના ઘરેથી બહાર નિકળવાનું ટાળે તે અત્યંત જરૂરી છે.