ભરૂચ, તા.૩
ભરૂચ જિલ્લામાં અલગ-અલગ ત્રણ જગ્યાએ અકસ્માતની ઘટના બની હતી. જેમાં મહિલા સહિત ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા અને એક મહિલાને ઈજા પહોંચી હતી. ગઈ કાલે નબીપુર બ્રિજ પાસે સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. તેમજ આજે ભરૂચથી અંકલેશ્વર તરફ જવાના સર્વિસ રોડ ઉપર છકડો રિક્ષા પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. આ ઉપરાંત મૂલેર-ચાંચવેલ રોડ ઉપર બાઈક અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
ઝઘડીયા તાલુકાનાં કપલસાડીગામના રખા ફળિયામાં રહેતા ૫૪ વર્ષીય મીરાબેન કનુભાઈ વસાવા આજે સવારે છ્‌કડો રિક્ષામાં સવાર થઈ શાકભાજી લેવા અંકલેશ્વર ખાતે આવી રહ્યા હતા. તે દરમિયાન અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત ભરૂચથી અંકલેશ્વર તરફ જવાના સર્વિસ રોડ ઉપર પુરપાટ ઝડપે પસાર થઈ રહેલો છકડો રિક્ષા ચાલકનો સ્ટેયરિંગ પર કાબૂ નહિ રહેતા રિક્ષા પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મીરાબેન વસાવા અને સમીમ દાઉદ શેખને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં મીરાબેન વસાવાનું સારવાર મળે તે પહેલા મોત નીપજયું હતું. અકસ્માત અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
અકસ્માતની બીજી ઘટના જોઈએ તો વાગરા તાલુકાનાં ચાંચવેલ ગામના મુઢીયા ફળિયા રહેતો ૩૨ વર્ષીય સાજિદ ઇબ્રાહિમ મુઢીયા આજે બાઇક લઈને બપોરે જમવા ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન મૂલેર-ચાંચવેલ રોડ ઉપર સામેથી પુરપાટ ઝડપે ધસી આવેલી બોલેરો ગાડીના ચાલકે બાઇક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સાજિદ મુઢીયાને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજયું હતું.
અકસ્માતની ત્રીજી ઘટના નબીપુરમાં બની હતી. નબીપુર ગામના જૂના ભિલવાડા ખાતે રહેતો ૩૦ વર્ષીય સંજય હીરાભાઈ વસાવા પોતાની બાઇક લઈ ઝનોર ખાતે ગયો હતો જે પરત પોતાના ઘરે આવી રહ્યો હતો તે દરમિયાન નબીપુર બ્રિજ પાસે સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સંજય વસાવાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.