ભરૂચ,તા.૨૩
ભરૂચ જીલ્લાના ટંકારીઆ ગામે તથા અતરાફના ગામોમાં વધતા જતા ચોરીના બનાવો અટકાવવા માટે તથા ચોરી કરનાર ચોરો ને પોલિસ દ્ધારા પકડીને જેલના સળિયા પાછળ ધકેલવામા આવે અને ટંકારીઆ તથા પાલેજ પોલીસ-સ્ટેશનની હદમાં આવતા તમામ ગામોમાં સતત રાત્રિના સમયે પેટ્રોલિંગ કરવામા આવે તે બાબતે આજ રોજ ટંકારીઆ ગામના વતની અબ્દુલભાઇ કામઠી,અબ્બાસભાઇ બચ્ચા, રતિલાલ ભાઇ પરમાર , હસનભાઇ , મોહમ્મદ ઝેદ કામઠી, સફુ મુલતાની તથા હુસેન કાથી દ્ધારા ભરૂચ જીલ્લા ના ડ્ઢરૂજીઁ વિકાસ શુદાને આવેદન પત્ર આપવામા આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ટંકારીઆ ગામ તેમજ આજુબાજુના ગામો ખાતે છેલ્લા કેટલાય દિવસોથી ઉપરા છાપરી એક બાદ એક અનેક ચોરીઓ; જેમાં માલમતા લઇ જવાથી લઇ ટુવ્હીલરની ઉઠાંતરીની અનેક ઘટનાઓ સામે આવી હતી. ગામમાં વસતા એન.આર.આઈ પરિવારો તેમજ અગ્રણીઓનાં મકાનોને તસ્કરોએ નિશાન બનાવી રોકડ સહિતની મત્તાઓ ઉપર હાથફેરો કરી પલાયન થતાં લોકોની મુશ્કેલીઓ વધી રહી છે.
હજારો લોકોની વસ્તી ધરાવતા ટંકારીયા ગામ ખાતે ૮ થી ૧૦ જેટલી ચોરીઓના બનાવો તથા આજુબાજુના ગામોથી બાઇકો ઊઠાવી રહ્યા છે, જાણે કે તસ્કરોને પોલીસનો કોઇ ડર જ ન રહ્યો હોય તે પ્રકારે બનાવો બનતા રહે છે. કેટલીક ઘટનાઓ તો સીસીટીવીમાં કેદ થવા પામી છતાં તસ્કરો પોલીસ પકડથી દૂર રહેતાં લોકોએ આ બનાવો અટકાવવા જવું તો ક્યાં જવું જેવી સ્થિતિ સર્જાઈ છે.
આજરોજ ટંકારીઆ ગામનાં સ્થાનિકો તેમજ સામાજીક અગ્રણી અબ્દુલ કામઠી દ્વારા ભરૂચ એ.એસ.પી ને એક આવેદનપત્ર પાઠવી ગામડાઓમાં (પાલેજ પોલીસ સ્ટેશનની હદમાં) બનતી ચોરીઓની ઘટનાઓને અટકાવવા પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવા તેમજ ચોરીઓને અંજામ આપનાર તસ્કરોને વહેલી તકે ઝડપી પાડવા અંગે રજૂઆત કરાઇ હતી, ગ્રામજનોની રજુઆતના આધારે એ.એસ.પી વિકાસ સુંડાએ પોલીસ પેટ્રોલીંગ તાકીદે વધારવા સહિતની બાબતો અંગેનું આશ્વાસન આપ્યું હતું..!!!
Recent Comments