ભરૂચ,તા.ર૦
ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના બળવાખોરોની દાવેદારી બાદ સર્જાયેલ નાટ્યાત્મક રાજકીય સમીકરણોનો અંત આવતા પ્રમુખ તરીકે જશુબેન પઢિયાર અને ઉપપ્રમુખ પદે અનિલભાઈ ભગત પૂનઃવિજેતા બન્યા હતા.
સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ કોંગ્રેસના મેન્ડેટ વિરૂદ્ધ કોંગ્રેસના સભ્ય ઈન્દ્રસિંહ પરમારે પ્રમુખ પદે અને તનુજાબેન દાયમાએ ઉપપ્રમુખ પદે દાવેદારી નોંધાવી હતી. જો કે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના બળવાખોરોને ઢાલ બનાવી કોંગ્રેસ-જેડીયુની યુપીને સત્તામાંથી પાડી દેવા ગણતરીપૂર્વક રાજકીય દાવ રમ્યો હતો. જો કે ગતરાત્રે ભાજપના દિગ્ગજો અને કોંગ્રેસના બળવાખોર નેતાઓની અંતિમ તબક્કાની હોર્સ ટ્રેડિંગ બાદ પણ ૧પ ઉપર એક પણ સભ્ય ન જોડાતા અંતે ભાજપ અને બળવાખોરોનું આજરોજ સૂરસૂરિયું થઈ જવા પામ્યું હતુ. કોંગ્રેસના ઉમેદવાર જશુબેન પઢિયારને કુલ ર૦ મત જ્યારે કોંગ્રેસના જ બળવાખોર ઈન્દ્રસિંહ પરમારને ભાજપના મળી કુલ ૧૪ મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગતરોજ કોંગ્રેસમાંથી બળવો કરવાની અટકળો વચ્ચે તનુજાબેન દાયમાએ પણ કોંગ્રેસના ઉમેદવાર તરફે મતદાન કર્યું હતું. જેના પગલે ભાજપના સોંપો પડી જવા પામ્યો હતો. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાંથી બળવો કરી પ્રમુખ બનવા દિવાસ્વપ્નમાં રાચતા ઈન્દ્રસિંહ પરમારે પણ ગતરોજ મીડિયા સમક્ષ રર સભ્યોનું સમર્થન હોવાનું તેમજ જિલ્લા પંચાયતમાં માત્ર તેમના નામનો જ દબદબો રહેશે તેવી ગુલબાંગો હાંકી હતી. જો કે તેમની રાજકીય મહત્ત્વકાંક્ષાઓની પણ આજરોજ હવા નીકળી જવા પામી હતી.
નેત્રંગ- ચિકલોટાના મહિલા સભ્યને સ્ટ્રેચરમાં લવાયા
ભરૂચ જિલ્લાના નેત્રંગ ચિકલોટા બેઠક ઉપર જેડીયુના મહિલા સભ્ય હંસાબેન વસાવાનાઓને પગના ભાગે ફેકચર હોવાથી ઉપરાંત કોંગ્રેસમાં બળવાની સ્થિતીના પગલે એક-એક મતના મહત્ત્વના પગલે હંસાબેન વસાવાને સ્ટ્રેચરમાં ઉંચકીને જિલ્લા પંચાયત સભાખંડમાં લાવવામાં આવ્યા હતા.