ભરૂચ, તા.૭
સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીએ લોકોના હાલ બેહાલ કર્યા છે જેના કારણે કેટલાય તહેવારો અને ઉત્સવોની ઉપર રોક લાગી ગઈ છે ત્યારે છેલ્લા નવ મહિનાથી કોરોના વાયરસની મહામારીના કારણે નગરપાલિકાની સામાન્ય સભાને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેમ ભરૂચ નગરપાલિકા દ્વારા ઠરાવ કરવામાં આવી રહ્યા હતા. ભરૂચ નગરપાલિકાની અંતિમ સામાન્ય સભા પણ સર્ક્યુલર ઠરાવ મુજબ થવાની હોવાના કારણે વિપક્ષોએ પણ સામાન્ય સભા બોલાવવા માટે ૭૨ કલાકનું અલ્ટીમેટમ આપ્યા બાદ જનતા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિપક્ષે આક્ષેપ કર્યા હતા કે ભરૂચ નગરપાલિકા પોતાના ભ્રષ્ટાચારના પાપ છુપાવવા માટે કોરોના વાયરસનું બહાનું આગળ ધરી રહ્યા છે. વિધાનસભા સાંસદ સભા પેટાચૂંટણી જિલ્લા પંચાયતની સભા થઈ શકતી હોય તો ભરૂચ નગરપાલિકાની સભા કેમ ન થાય તેવા આક્ષેપ સાથે વિપક્ષોએ પણ ભારે આક્રોશ ઠાલવ્યો હતો. જો કે, જનતા પણ એકત્ર ન થાય તે માટે ભરૂચ નગરપાલિકાના બંને પ્રવેશદ્વાર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો પરંતુ પોલીસ અને જનતા વચ્ચે દરવાજો ખોલવા માટે ઘર્ષણ સર્જાયું હતું. જેના કારણે ભરૂચના ત્રણ ડિવિઝનના પોલીસ પોલીસ કાફલાને બોલાવવાની ફરજ પડી હતી. જો કે, જનતા સભાના સતત બેથી અઢી કલાક ચાલેલા ઘર્ષણબાદ પોલીસે પણ નગર સેવકો સહિત કેટલાય લોકોની અટકાયત કરી પોલીસ મથકે લઇ જવાની ફરજ પડી હતી. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભી તમાકુવાળાએ વિપક્ષીઓના વિરોધ સામે નારાજગી વ્યક્ત કરી હતી અને સ્પષ્ટ જણાવ્યું હતું કે, કોરોના વાયરસની મહામારીના કારણે સામાન્ય સભા બોલાવવામાં આવતી નથી.
Recent Comments