(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા.૧૯
ભરૂચ નગરપાલિકા દ્વારા ગટર વ્યવસ્થાપનના ભાગરૂપે સુએજ ટ્રીટમેન્ટ ફિલ્ટ્રેશન પ્લાન્ટની કામગીરીનો પશ્ચિમ વિસ્તારના બિજલીનગર અને નુરાની સોસાયટીની બાજુમાં શરૂ કરાતા સ્થાનિક રહીશોમાં તીવ્ર આક્રોશ ભભૂકી ઉઠવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરની ગટરના ગંદા પાણીના વ્યવસ્થાપન માટે નુરાની સોસાયટી, આબેના પાર્ક, બિજલીનગર સહિત સોસાયટીઓની મધ્યે બંબાખાના જીન કમ્પાઉન્ડની બાજુમાં સુએજ ટ્રીટમેન્ટ ફિલ્ટ્રેશન પ્લાન્ટ શરૂ કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, નુરાની સોસાયટી, બિજલીનગર, હબીબ પાર્ક, સંતોષી વસાહત સહિત રહેણાક વિસ્તાર હોવા છતાં ઉપરાંત સદર જમીન ટાઉન પ્લાનિંગ ત્રણમા આવાસો માટે નિર્ધારિત થઈ હોવા છતાં ત્યાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી શરૂ કરાતા આજરોજ કોર્પોરેટર સલીમ અમદાવાદી, નુરાની સોસાયટીના પ્રમુખ સિરાજ ભીમ, સાદીકભાઈ શેખ, ઝુલ્ફીકાર રાજ સહિત અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆતો કરી કામગીરી અટકાવવા અનુરોધ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર શહેરની ગટરોના ગંદા પાણી પ્રથમ કાલીતલાવડી એકત્રીત કરી ત્યારબાદ પુનઃ ત્રણ કિલોમીટર શહેરની અંદર રહેણાક વિસ્તારમાં લઈ જવા પાછળ ક્યું રાજકારણ રંધાઈ રહ્યું છે.