(સંવાદદાતા દ્વારા) ભરૂચ,તા.રપ
ભરૂચ સિવિલ હોસ્પિટલ દર્દીઓને આરોગ્ય નહિ પરંતુ બીમારી પ્રદાન કરી રહી છે. હોસ્પિટલમાં પાણીના કુલરોમાં જીવાત મળી આવી છે. મામલે ઉહાપોહ મચતાં આર.એમ.ઓ. દ્વારા તાત્કાલિક તપાસના આદેશ કરી સફાઈકામ શરૂ કરાવાયું છે.
સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સ્વસ્થ નહિ પણ બીમાર પડી શકે છે. આ વાત સાંભળી ચોંકશો નહિ પણ કારણકે સિવિલ હોસ્પિટલ દ્વારા ૧૦૦થી વધુ દર્દીઓ અને તેમના સગાઓ માટે પુરા પડાતા પાણીમાં જીવાતો મળી આવી છે. બીજા અને ત્રીજા માળના કુલરમાં વંદા અને કંસારી જેવી જીવાતો પાણીમાં મળી આવી છે. મામલે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે.મામલે ઉહાપોહ મચતાં આર એમ ઓ એસ આર પટેલ જાત તપાસ માટે દોડી આવ્યા હતા. જેમને તાત્કાલિક કુલર ખાલી કરાવી સફાઈ શરૂ કરાવી સેનેટરી વિભાગને નોટિસ ફટકારવા સૂચના આપી હતી.
સિવિલ હોસ્પિટલ અસુવિધાન નામે વારંવાર વિવાદોમાં સપડાય છે ત્યારે આજે વધુ એક વિવાદે તંત્રને દોડતું કર્યું હતું. બિનઆરોગ્યપ્રદ પાણી મામલે હવે કસુરવારો સામે પગલાં ભરાય છે અને પરિસ્થિતિ સુધારાય છે કે નહિ તે જોવું રહ્યું.