ભૂજ, તા.૧
કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કટ્ટરવાદી તત્ત્વો મુસ્લિમોના ધાર્મિક સ્થળોમાં તોડફોડ કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવા તત્ત્વો સામે પોલીસે કોઈ જ કાર્યવાહી ન કરતા તેઓ છાકટા બન્યા છે. જેમાં પંથકના સુથરી અને મોથાળા ગામની સીમમાં દરગાહ ઉપર તોડફોડ કર્યા બાદ હવે ભવાનીપર ગામની સીમમાં લાલશાપીરની દરગાહની દીવાલને તોડી નાખતા મુસ્લિમ સમાજમાં પ્રચંડ રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. બનાવની વિગત અનુસાર ગતરાત્રી દરમિયાન આ બનાવ બન્યો હતો. જે અંગે અબ્દુલ સત્તાર મામદહુસેને નલિયા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આવા તત્ત્વોએ દરગાહની ધજા પણ તોડી નાખી હતી. આ બનાવ બહાર આવ્યા બાદ આજે સવારે લાલશાપીરની દરગાહની અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હીનરક્ષક સમિતિના જિલ્લા પ્રમુખ ઈબ્રાહીમ જે. હાલેપોત્રા, સમિતિના ઉપપ્રમુખ આદમભાઈ પઢિયાર, અબડાસા તાલુકા સુન્ની મુસ્લિમ હીનરક્ષક સમિતિના પ્રમુખ સાલેમામદ પઢિયાર, સૈયદ સુલતાનશા, રજાકભાઈ હિંગોરા, જુસબશા સૈયદ મોથાળાવાળા, ઈકબાલ મંધરા, દાઉદભાઈ પઢિયાર, આદમ લાંગાય તેમજ હજારોની સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો ભેગા થયા હતા. દરગાહની પરિસ્થિતિ જોતા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હીનરક્ષક સમિતિના જિલ્લા પ્રમુખ ઈબ્રાહીમ જે.હાલેપોત્રા, અબડાસા તાલુકા સમિતિ પ્રમુખ સાલેમામદ પઢિયાર તેમજ સમાજના સર્વે અગ્રણીઓના નિર્ણયથી ચક્કાજામ કરવાનો નિર્ણય લેવાયો હતો. મોથાળા મધ્યે નુરમામદ પીરની દરગાહને બે દિવસ પહેલાં જ નુકસાન પહોંચાડ્યું હતું તે વખતે રૂબરૂ મુલાકાત લેતા ઈન્ચાર્જ એસ.પી.રવિ તેથી તેમજ નલિયા સર્કલ ઈન્સ્પેક્ટરને રૂબરૂ રજૂઆત વખતે જણાવેલ કે, સુથરી અને મોથાળા બનાવના આરોપીઓને તાત્કાલિક પકડો નહીંતર આવા બનાવો બનશે તો મુસ્લિમ સમાજ સાંખી નહીં લે ગતરાત્રીના આ બનાવ બનતા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હીનરક્ષક સમિતિના જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ તેમજ અન્યો આગવાનો સાથે રાખીને ભવાનીપર-મોથાળા રોડ વચ્ચે ટાયરો સળગાવી ચક્કાજામ કરેલ જેથી પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે અને ર૪ કલાકની અંદર આરોપીની ધરપકડ કરીશું. પશ્ચિમ કચ્છ એસપી ભરડાએ રૂબરૂ મુલાકાત લેતા આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરાશે એમ જણાવ્યું હતું. જો કે, બે દિવસમાં આરોપીઓની ધરપકડ નહીં કરાય તો સમગ્ર કચ્છમાં ચક્કાજામ કરવાની આગેવાનોએ ચીમકી આપી હતી.