રાજ્યમાં સૌ પ્રથમવાર અંભેટા ગામે ઓલ ઈન્ડિયા સૂફી સજ્જાદાનશીન કાઉન્સિલની મીટિંગ યોજાઈ

અંકલેશ્વર, તા.૯

હાંસોટ તાલુકાના અંભેટા ગામે આવેલ હઝરત અબ્દુલ રહેમાન ચીશ્તી બાવાની દરગાહ શરીફ ખાતે ઓલ ઈન્ડિયા સૂફી સજ્જાદાનશીન કાઉન્સિલની એક અગત્યની મીટિંગ યોજાઈ હતી, જેમાં અજમેરથી ઓલ ઈન્ડિયા સૂફી સજ્જાદાનશીન કાઉન્સિલના ચેરમેન હઝરત સૈયદ નસીરૂદ્દીન બાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્ય તેમજ બીજા રાજ્યોના પણ સૂફી સંતો ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગમાં દેશની શાંતિ તેમજ દરેક ધર્મના લોકોમાં ભાઈચારો બની રહે તેવી અનેક પ્રકારની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને દેશની તમામ દરગાહની ખાનકાહને એક અગત્યનું સ્થાન મળે તેવી પણ ચર્ચા કરવામાં આવી હતી. ખાનકાહોમાં હિન્દુ-મુસ્લિમ તેમજ અનેક ધર્મના લોકો આવે છે. કોઈપણ ધર્મમાં નફરત ન ફેલાય, ભાઈચારો અને મોહબ્બત બની રહે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે અંભેટા હઝરત અબ્દુલ રહેમાન ચીશ્તી બાવા દરગાહના ગાદીપતિ સૈયદ જિયાઉદ્દીન ચીશ્તી નિઝામી સહિતના સૂફી સંતો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતભરમાંથી દરગાહ શરીફના સંચાલકો તથા સજ્જાદાનશીનોએ હાજરી આપી પોતપોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી.

ઓલ ઈન્ડિયા સૂફી સજ્જાદાનશીન કાઉન્સિલના અધ્યક્ષ હઝરત સૈયદ નશીરૂદ્દીન ચીશ્તીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, પ્રેમથી રહો એકતામાં રહો તથા તમામ સાથે મોહબ્બતથી રહો તેવો સંદેશો આપ્યો હતો, અમે કોઈપણ ધર્મના લોકોનું ધર્મ પરિવર્તન કરાવતા નથી. પરંતુ કર્મ પરિવર્તન કરાવીએ છીએ તથા દેશની તરક્કી થાય તેવી વાત કરવી દરેક કોમને સાથે લઈને ચાલવું એક ફૂલોના ગુલદસ્તાની જેમ સાથે રહીએ તેવી અપીલ કરી હતી અને કોઈપણ સરકાર હોય તેની સાથે રહે, મોહબ્બત અને અમનનું વાતાવરણ બનાવે ત્યારબાદ મોટામિયાં માંગરોલની દરગાહના ગાદીનશીન હઝરત સલીમુદ્દીન ચીશ્તીના સુપુત્ર હઝરત પીર મતાઉદ્દીન ચીશ્તીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, લાકડીના ભારાની જેમ સાથે રહો તો જ તમે તરક્કી કરી શકશો. કોમી એકતા, ભાઈચારાથી રહો તમામ કોમના લોકો જોડે પ્રેમથી રહો.

એકલબારાની ગાદીના ગાદીનશીન હઝરત કદીરૂદ્દીન પીરઝાદાએ પણ પોતાના ટૂંકા વક્તવ્યમાં જણાવ્યું હતું કે, દરેક દરગાહ પર કોમી એક્તા છે. હિન્દુ-મુસ્લિમ શીખ ઈસાઈ દલિત આદિવાસી વગેરે મોટી સંખ્યામાં આવે છે, અમારો સંદેશ ફક્ત મોહબ્બત છે. ત્યારબાદ સૈયદ જિયાઉદ્દીન શાહ ચીશ્તી નિઝામી બાવા સાહેબે પોતાના પ્રવચનમાં મીટિંગમાં આવેલ તમામ સજ્જાદાનશીનનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હઝરત પીર અંજુમ ફરીદ બાવા સાહેબ દ્વારા કરાયું હતું.

આ પ્રસંગે અજમેરના દીવાન સૈયદ ઝૈનુલઆબેદિન ચીશ્તી સાહેબના સુપુત્ર  સૈયદ નશીરૂદ્દીન ચીશ્તી તથા મોટામિયાં માંગરોલના ગાદીનશીન હઝરત સલીમુદ્દીન ચીશ્તીના સુપુત્ર હઝરત પીર મતાઉદ્દીન ચીશ્તી સાહેબ, એકલબારાની ગાદીના ગાદીનશીન હઝરત કદીરૂદ્દીન પીરઝાદા, સૈયદ રફીકુદ્દીન પીરઝાદા, હાજી સૈયદ ઝેનુલ આબેદિન, સૂફી અબ્દુલ રસીદ, સૈયદ મન્સૂરઅલી ઈનામદાર, તથા અન્ય સજ્જાદાનશીન હાજર રહી પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી.