સુરત,તા.૨૭
લિંબાયત ઝોનના અધિકારીને મા-બેન સમી ગાળો ભાંડીને જોઈ લેવાની ધમકી આપનાર ગટર સમિતિના ચેરમેનને મુદ્દે ગતરોજ સામાન્ય સભામાં ભારે હોબાળા બાદ પગલાં લેવાની માંગણી સાથે કોંગ્રેસે વોકઆઉટ કર્યો હતો. આ બધા વચ્ચે કોંગ્રેસના યુવા કોર્પોરેટરના ‘ભાઈ કા આદમી ઔર તાઈ કા ભાઈ’ પર પગલાં ક્યારે વાળા વાક્યથી સામાન્ય સભામાં ભારે હંગામો મચી ગયો હતો.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લાં બે દાયકા કરતાં વધુ સમયથી સત્તાનો સ્વાદ માણી રહેલા ભાજપના કોર્પોરેટરો ધીમે ધીમે બેફામ બની રહ્યાં છે. ગત ૬ઠ્ઠી ઓગષ્ટના રોજ ગટર સમિતિના અધ્યક્ષ અમિતસિંહ રાજપુતે લિંબાયત ઝોનના અધિકારીને ગાળો ભાંડીને જોઈ લેવાની ધમકી આપવામાં આવતા પાલિકાના કર્મચારીઓએ તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ ચાલુ હતો દરમિયાનમાં ભરત મોના નામના ભાજપના કોર્પોરેટરે કર્મચારીને લાફો ચોડી દેતાં કર્મચારીઓમાં ભારે વિરોધ વંટોળ જોવા મળ્યો હતો. આ સંદર્ભે ઉચ્ચ પદાધિકારીઓ તેમજ કમિશનર દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે લીલીઝંડી આપી દેવામાં આવતા ભરત મોનાની ધરપકડ કરવામાં આવી હતી જોકે, અમિતસિંગ વાળા મામલા પર ઠંડુ પાણી રેડી દેવામાં આવતા કર્મચારીઓ સાથે કોંગ્રેસે પણ સમય સમયે વિરોધ દર્જ કરાવ્યો હતો.
સામાન્ય સભામાં અમિત સિંગ પર પગલાં લેવાની માંગણી સાથે કોંગ્રેસે ભારે વિરોધ નોંધાવ્યો હતો પરંતુ ભાજપે અમિત સિંગ મુદ્દે મૌન ધારણ કરી રાખતા આખરે કોંગ્રેસે વોકઆઉટ કર્યું હતું.
અનોખો વિરોધઃ કોંગ્રેસના કાઉન્સીલર બુકે લઈને સ્વાગત કરવા પહોંચ્યા
ઝોનના અધિકારીને ગાળો ભાંડવાની ઘટનામાં અમિતસિંગ સામે પગલાં ભરવામાં નહી આવતા કોંગ્રેસના યુવા કાઉન્સિલર અસલમ સાયકલવાલાએ કઈંક જુદા જ અંદાજમાં વિરોધ નોંધાવ્યો હતો. તેઓ બુકે લઈને પાલિકા પહોંચ્યા હતા. તેમની દલીલ એવી હતી કે, ભાજપે અમિતસિંગ પર પગલાં નથી ભર્યા એનો અર્થ તેમણે સારુ કામ કર્યું છે અને સારુ કામ કરનારને પ્રોત્સાહિત કરવા બૂકે આપવું જ જોઈએ.