(એજન્સી)
ભાગલપુર, તા.૨૬
બિહારના ભાગલપુરમાં કોમી હિંસા ભડકાવવા મામલે કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેના પુત્ર અરિજિત સાશ્વત વિરૂદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હોવા છતાં તેણે સરેન્ડર કરવાનો ઇન્કાર કર્યો હતો જ્યારે પોલીસ પણ તેની ધરપકડ કરવામાં નિષ્ફળ નિવડી છે. અહેવાલો અનુસાર પોલીસે બે એફઆઇઆરમાંથી એકમાં નામજોગ લોકોની ધરપકડની માગ કરી હતી. અધિક પબ્લિક પ્રોસિક્યુટર વીરેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, અભયકુમાર ઘોષ, સોનુ, પ્રમોદ વર્મા પમ્મી, દેવકુમાર પાંડેય, સંજય ભટ્ટ, સુરેન્દ્ર પાઠક,અમિત લાલ સાહ અને પ્રણવ સાહ ઉર્ફે પ્રણવ દાસ વિરૂદ્ધ પણ વોરંટ જારી કરવામાં આવ્યા છે. ભાગલપુરના પોલીસ અધિક્ષક મનોજકુમારે જણાવ્યું હતું કે, પોલીસને અદાલતના આદેશની કોપી મળી છે અને તમામ આરોપીઓને વહેલી તકે પકડી લેવામાં આવશે. દરમિયાન અરિજિત સાશ્વતે ધરપકડ વોરંટને ડીંગો દેખાડતા સોમવારે મીડિયા સમક્ષ પોલીસ સમક્ષ સરેન્ડર કરવાનો ઇન્કાર કર્યો હતો. ચૌબેને પુત્રે કહ્યું કે, હું ન્યાયાલયની શરણમાં છું, જેઓ ગાયબ થઇ ગયા હોય તેમને શોધવા પડે છે પણ હું તો સમાજ વચ્ચે છું. હું આત્મ સમર્પણ કેમ કરૂં ? કોર્ટ જો વોરંટ કાઢે છે તો શરણ પણ આપે છે. એક વખથ વ્યક્તિ કોર્ટમાં જાય પછી એ તે જ કરશે તે કોર્ટ કહેશે.
અરિજિતે કહ્યું કે, પોલીસ મને પકડવા આવે તે પછીની વાત છે મેં કોર્ટમાં આગોતરી જામીન માટે અરજી દાખલ કરી દીધી છે. બીજી તરફ પોતાના પુત્રના બચાવમાં આવતા કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ કહ્યું છે કે, મારા પુત્રે કોઇ ખરાબ કામ કર્યું નથી, ફરિયાદ તો જુઠ્ઠાણાનું પોટલું છે તેના આધારે કેમ સરેન્ડર કરે. અરિજિત કોઇ સ્થાને છૂપાયો નથી તે પોતાના ગામમાં ગયો છે. અરિજિત વિરૂદ્ધ જે કેસમાં ધરપકડ વોરંટ બહાર પડાયું છે તે ભાગલપુરના નાથનગરની ઘટના છે. નાથનગરમાં ૧૭મી માર્ચે એક જુલૂસ દરમિયાન હિંસા ભડકી હતી જેમાં અરિજિત વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદમાં કહેવાયું છે કે, અરિજિતના નેતૃત્વમાં ભારતીય નવ વર્ષ જાગરણ સમિતિ તરફથી વિક્રમ સંવતના પ્રથમ દિવસે જુલૂસ કાઢવામાં આવ્યું હતું. જુલૂસ દરમિયાન બે સમુદાયો વચ્ચે હિંસા ભડકી હતી. ઘટનામાં બે પોલીસ કર્મીઓ સહિત કેટલાક લોકો ઘવાયા હતા.