(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૯
જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામે વિમલ સ્ટોન ક્રશરના ભાગીદારે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા છેલ્લા ૨૫ વર્ષથી ન્યાયની માગણી કરી રહેલ ભાગીદારે રાષ્ટ્રપતિ પાસે ઇચ્છામૃત્યુ અથવા લીવર કિડની વેચવા માટેની પરવાનગી મેળવવા આજે સુરત જિલ્લા કલેક્ટરને અરજી કરી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર આજે જિલ્લા કલેક્ટરને અરૂણાબેન નરેન્દ્રભાઈ પટેલ દ્વારા અરજી કરી રાષ્ટ્રપતિ પાસે ઈચ્છામૃત્યુની પરવાનગી માંગવામાં આવી છે. અરૂણાબેન પટેલે ઉમરપાડા તાલુકાના વાડી ગામે વિમલ સ્ટોન ક્રશર નામની ભાગીદારી પેઢીથી કપચી, મેટલ, ગ્રીટનો વ્યવસાય ૧૯૯૦માં શરૂ કર્યો હતો. ૧૯૯૨માં નવો ભાગીદાર આ પેઢીમાં જોડાયો જેને વિશ્વાસઘાત કરી ખોટી ડીડી બનાવી મિલકત પચાવી પાડી. માથાભારે ઈસમની છાપ ધરાવનાર આ ભાગીદારે અરૂણાબેનને જાનથી મારી નાકાની ધમકી આપતા સ્થાનિક પોલીસ સુરત જિલ્લા કલેક્ટર અને ગુજરાત રાજ્ય સરકાર પાસે ન્યાયની માગણી કરવામાં આવી હતી. છેલ્લા ૨૫ વર્ષથી અરૂણાબેનને ન્યાય મળ્યો નથી અને છેતરપિંડી કરી ભાગીદાર કરોડો રૂપિયા કમાયો છે. આજે સુરત જિલ્લા કલેક્ટરના માધ્યમથી રાષ્ટ્રપતિને અરજી કરી અરૂણાબેન પટેલ દ્વારા ઈચ્છામૃત્યુ અથવા લીવર કિડની વેચવાની પરવાનગી માગી છે. હાલમાં તેઓ ન્યાય ન મળતા ખૂબ જ માનસિક યાતના અને આર્થિક તંગી ભોગવી રહ્યા છે. અરૂણાબેન ૨૫ વર્ષથી ન્યાયની રાહ જોઇ રહ્યા હોવાનું જાણવા મળે છે.