(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧
રાજયમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પૂર્વ ધારાસભ્ય સોમા ગાંડા પટેલનો રાજીનામું આપવા બદલ રૂપિયા લીધા હોવાનો સ્વીકાર કરતો સ્ટીંગ વીડિયો વાયરલ થતા રાજકીય માહોલ ગરમાઈ જવા પામ્યો છે. કોંગ્રેસના સ્ટીંગ ઓપરેશનવાળા વીડિયોમાં અન્ય સભ્યોએ પણ રાજીનામું આપવા રૂપિયા લીધા હોવાનું સ્પષ્ટ થાય છે. ત્યારે વીડિયોને લઈને રાજયમાં પડી રહેલા ઘેરા પ્રત્યાઘાતો વચ્ચે સોમા પટેલે વીડિયો બનાવટી હોવાનું જણાવી કોંગ્રેસ પર રોષ ઠાલવ્યો છે અને વીડિયોમાંના તમામ આરોપોને ફગાવી દેવા સાથે કોંગ્રેસ સામે દાવો કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે. વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીના પૂરજોશથી ચાલી રહેલા પ્રચારમાં આજે સોમા પટેલના જાહેર થયેલ વીડિયોએ ગરમાવો લાવી દીધો છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલ વીડિયોમાં પૂર્વ ધારાસભ્ય સોમા ગાંડા પટેલ રાજીનામું આપનારા સભ્યોએ ભાજપ સાથે સોદો કર્યો હોવાનું કહેતા નજરે પડે છે. એટલું જ નહીં દરેક સભ્યે રાજીનામું આપવા રૂા.૧૦ કરોડથી વધુની રકમ લીધી હોવા અંગે તથા અમુક સભ્યોએ રકમને બદલે ચૂંટણીની ટિકિટમાં સોદો કર્યો હોવાનું સોમા સ્વીકારતા જણાય છે. રૂા.ર૦ કરોડ પોતે લીધા હોવાનો ઈન્કાર કરતા સોમા ભાજપ પાસે બહુ જ પૈસા હોવાનો એકરાર કરવા સાથે રિલાયન્સ, ટાટા વગેરે કંપનીઓ ભાજપને નાણાં આપતા હોવાનો ઈશારો પણ તેમણે વીડિયોમાં કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના અત્યાર સુધીમાં ૧૦થી ૧પ જેટલા ધારાસભ્યો રાજીનામું આપી ભાજપનો ખેસ ધારણ કરી ચૂકયા છે તેઓ માટે કોંગ્રેસ તરફથી ભાજપએ નાણાની કોથળી છુટી મુકી તેમના ધારાસભ્યો ખરીદયા હોવાના આક્ષેપો ઘણા સમયથી કરવામાં આવી રહ્યા છે. ત્યારે સોમા ગાંડા પટેલના આ વાયરલ થયેલા વીડિયોથી કોંગ્રેસના આક્ષેપોને સમર્થન મળી રહ્યું છે. બીજી તરફ પૂર્વ ધારાસભ્ય સોમા ગાંડા પટેલે આ વીડિયોને બનાવટી ગણાવતા પોતાની તીવ્ર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે કોંગ્રેસ જાહેર કરેલ આ બનાવટી વીડિયો અત્રે હું તપાસની માગણી કરૂ છું અને આ બનાવટી વીડિયો હોવાનું જાહેર કરૂં છું. મારી આવી કોઈ વ્યકિત સાથે કોઈપણ જગ્યાએ મુલાકાત થઈ નથી. કોંગ્રેસે માત્રને માત્ર પેટાચૂંટણીમાં ફાયદો મેળવવા મારા નામનો દુરૂપયોગ કરી બનાવટી વીડિયો જાહેર કર્યો છે. મારા નામે જુઠાણુ ફેલાવવાનું કોંગ્રેસ બંધ કરે તેમ જણાવતા તેમણે કોંગ્રેસને ચીમકી આપી હતી કે, મારા નામે આ પ્રકારનું હીન કાર્ય કરવા બદલ હું કોંગ્રેસને નોટિસ ફટકારીશ અને દાવો પણ કરીશ.
Recent Comments