(એજન્સી) અયોધ્યા, તા.૭
મહારાષ્ટ્રમાં સરકારના ૧૦૦ દિવસ પૂર્ણ થવા નિમિતે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સપરિવાર ભગવાન રામની નગરી અયોધ્યાની મુલાકાત લીધી છે. જ્યાં તેમણે રામ મંદિરના નિર્માણ માટે એક કરોડના દાનની જાહેરાત કરી છે. બપોરે લખનૌના એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ ઉદ્ધવ ઠાકરે રોડ માર્ગે અયોધ્યા આવી પહોંચ્યા હતા. જ્યાં ઉપસ્થિત શિવસૈનિકો તેમજ તેમના સમર્થકોએ ઉદ્ધવ ઠાકરેનું સ્વાગત કર્યું હતું. ઉદ્ધવ ઠાકરેને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.
અયોધ્યાની મુલાકાત દરમ્યાન ઉદ્ધવ ઠાકરેનો સરયુ આરતી તેમજ જનસભાનો પણ કાર્યક્રમ હતો. પરંતુ કોરોના વાયરસને લઇને ગૃહ મંત્રાલય તેમજ આરોગ્ય મંત્રાલયની એડવાઇઝરી બાદ આ બંને કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.
ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી જણાવ્યું કે હું અહીં રામલલ્લાના આશિર્વાદ લેવા આવ્યો છું. છેલ્લા દોઢ વર્ષમાં આ મારી ત્રીજી અયોધ્યા મુલાકાત છે. હું વારંવાર અયોધ્યા આવતો રહીશ. તેમણે કહ્યું કે અહીં ભગવાન રામનું મંદિર બનાવવાની જવાબદારી આપણા સૌની છે. મંદિર એવું ભવ્ય બનવું જોઇએ કે તે સમગ્ર દુનિયા જુએ.
ઉદ્ધવ ઠાકરેએ પત્રકારોના સવાલનો જવાબ આપતાં કહ્યું કે હું ભાજપથી અલગ થયો છું, હિંદુત્વથી નહીં. ભાજપનો મતલબ હિંદુત્વ નથી. હિંદુત્વ અલગ છે, ભાજપ અલગ છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સીએમ યોગીને અપીલ છે કે અમને અયોધ્યામાં થોડી જમીન આપે. અમે અયોધ્યામાં એ જમીન પર મહારાષ્ટ્ર ભવન બનાવીશું. મહત્ત્વનું છે કે ઉદ્ધવ ઠાકરેની આ ત્રીજી અયોધ્યા મુલાકાત છે. આ પહેલા ઉદ્ધવ ઠાકરે લોકસભા ચૂંટણી પહેલા અને ચૂંટણી બાદ અયોધ્યાની મુલાકાત લઇ રામલલ્લાના દર્શન કર્યા હતા.
શ્રીરામ જન્મભૂમિ મંદિરના સંત આચાર્ય સત્યેન્દ્ર દાસે જણાવ્યું કે રામલલ્લાના દર્શન કરી ઉદ્ધવ ઠાકરે તેમને મહારાષ્ટ્રની પ્રજાએ જે જવાબદારી સોંપી છે તે સુપેરે નિભાવે તેમજ હિન્દુત્વની વિચારધારાને આગળ ધપાવે. બીજી તરફ તપસ્વી છાવણીના આચાર્ય પરમ હંસ દાસે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા મુદ્દે ઉદ્ધવ પર નિશાન સાધ્યું હતું. પરમ હંસ દાસે કહ્યું કે શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેએ કંડારેલી હિન્દુત્વની વિચારધારાને કોરાણે મુકી ફક્ત સત્તા માટે ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે. રામલલ્લાના દર્શન બાદ ઉદ્ધવ ફરી હિન્દુત્વની વિચારધારા પર પરત ફરે તેવી સૌ સંતોને આશા છે તેમ પરમ હંસ દાસે કહ્યું હતું.