અમદાવાદ, તા.ર૩
આજે દેશમાં મોદીઓનો જમાનો છે. લલિત મોદી હોય કે નીરવ મોદી બધા મોદીને વિદેશ જવાનો બહુ શોખ છે. પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહ પાકિસ્તાન સાથે ગુપ્ત કરે છે તે ભાજપને ખબર પડે છે પરંતુ વિજય માલ્યા, લલિત મોદી, નીરવ મોદી દેશને ચૂનો લગાડીને જતા રહે છે તે ક્યાં છે તે ભાજપને ખબર પડતી નથી એમ વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના પ્રવચન ઉપરની ચર્ચામાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું. રાજ્યપાલના સંબોધન પરની ચર્ચામાં ભાગ લેતાં કોંગ્રેસના ધારાસભ્ય અને ઉપનેતા શૈલેષ પરમારે ગૃહમાં ગાંધી પરિવાર અને નહેરૂ પરિવારે દેશ માટે આપેલી કુરબાનીને યાદ કરાવી હતી. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ માત્ર આતંકવાદ અને ત્રાસવાદની ખાલી વાતો કરતો નથી. એનું પરિણામ લાવીને બતાવે છે. પંજાબમાં સુવર્ણ મંદિરમાં ત્રાસવાદીઓ ઘૂસી ગયા હતા એ ત્રાસવાદીઓનો ખાત્મો કરવાનું કામ ઈન્દિરા ગાંધીએ કર્યું હતું. ત્યારે આઈબીએ તેમને ચેતવી દીધા હતા કે તેમના સિકયોરિટીમાં શીખ કમાન્ડો રાખે નહીં. તેમ છતાં તેમણે રાખ્યા હતા. ત્યારે ત્રાસવાદીઓનો ખાત્મો કરવાના કારણસર ઈન્દિરા ગાંધી શહીદ થયા હતા. ત્યારે ભાજપના એક પણ નેતાના કમાન્ડો મુસ્લિમ હોય તો બતાવો ? વધુમાં પરમારે જણાવ્યું હતું કે, ભગવાન રામ એ સહુની આસ્થાનું પ્રતિક છે. પરંતુ ભગવાન રામ ભાજપ માટે તો માત્ર વોટનું મશીન છે, ભાજપે તો ફકત ને ફકત રામના નામનો ઉપયોગ જ કર્યો છે. સરકાર પર પ્રહાર કરતાં પરમારે જણાવ્યું હતું કે, આ સરકાર પારદર્શિતાની માત્ર વાતો જ કરે છે. કેગનો રિપોર્ટ સત્રની શરૂઆતમાં મૂકવો જોઈએ. જસ્ટિસ એમ.બી.શાહનો રિપોર્ટ વિધાનસભામાં ચર્ચા માટે મૂકવો જોઈએ. સુજલામ-સુફલામનો રિપોર્ટ ગૃહમાં રજૂ કરવો જોઈએ અને આવા તો અનેક રિપોર્ટ છે જે ગૃહમાં રજૂ થતાં નથી.
કાલે એક વાત થઈ હતી કે આપ ગુજરાત આતે હો, નરેન્દ્ર મોદી કે રાજ્ય મેં આતે હો ત્યારે જણાવવાનું કે ગુજરાતનો કોઈ પનોતા પુત્ર દેશના વડાપ્રધાન બને ત્યારે આપણને સહુને ગૌરવ હોઈ શકે છે પણ જ્યારે એમ કહેવાય કે, કયા યે યે વહી ગુજરાત હૈ જહાં ગોધરાકાંડ હુઆ થા, કયા યે વહી ગુજરાત હૈ જહાં અક્ષરધામ પે હમલા હુઆ થા, ક્યા યે વહી ગુજરાત હૈ જહાં ભાજપ કે ગૃહમંત્રી કી હત્યા હુઈ થી, કયા યે વહી ગુજરાત હૈ જહાં નકલી આતંકવાદી પકડે જાતે હૈ, કયા યે વહી ગુજરાત હૈ જહાં નકલી એન્કાઉન્ટર હોતે હૈ, કયા યે વહી ગુજરાત હૈ જહાં પાટીદાર યુવાનો પર ગોલીયા ચલાઈ જાતી હૈ, કયા યે વહી ગુજરાત હૈ જહાં થાનગઢ મેં દલિતો પર ગોલીયા ચલાઈ જાતી હૈ, કયા યે વહી ગુજરાત હૈ જહાં જમીન કે એક ટુકડે કે લીયે દલિત કો જીંદા જલ જાના પડતા હે ઔર ઉદ્યોગપતિઓ કો જમીન દી જાતી હૈ, કયા યે વહી ગુજરાત હૈ જહાં ઉના કા કાંડ હુઆ થા, કયા યે વહી ગુજરાત હૈ જહાં નલિયા કાંડ હુઆ થા એમ પરમારે જણાવ્યું હતું.