(એજન્સી) કોલકાતા, તા.૧૧
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, ભાજપના કારણે દેશ ભૂખમરાનો શિકાર થયો છે. જો ભાજપ સરકાર કૃષિ કાયદા પરત નહીં ખેંચે તો દેશમાં ટૂંક સમયમાં અન્નની અછત સર્જાશે. ખેડૂતો દેશની સંપત્તિ છે. આપણે એવું કોઈપણ કામ ન કરવું જોઈએ જે ખેડૂતોના હિતોની વિરૂદ્ધ હોય. મમતાએ જણાવ્યું હતું કે, ભાજપના જક્કી વલણના કારણે દેશ પર અનાજની અછતનું સંકટ તોળાઈ રહ્યું છે. ખેડૂતો ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવા માટે આંદોલન કરી રહ્યા છે પણ ભાજપ સરકારે આ મામલે અક્કડ વલણ અપનાવી રાખ્યું છે. તેમણે ભાજપની સરખાણી ‘કચરા’ પાર્ટી તરીકે કરી હતી અને જણાવ્યું હતું કે, આ એક એવી પાર્ટી છે જ્યાં અન્ય પાર્ટીના સડી ગયેલા નેતાઓનો સમાવેશ કરવામાં આવે છે. દેશ હાલ ખાદ્ય સંકટની કગારે આવીને ઊભો છે. જો ભાજપ પોતાનું જક્કી વલણ જારી રાખશે તો ટૂંક સમયમાં દેશમાં અન્ન સંકટ આવી પડશે. તૂણમૂલ કોંગ્રેેસના સુપ્રીમો મમતાએ માંગ કરી હતી કે, કેન્દ્ર સરકાર તાત્કાલિક ત્રણ કૃષિ કાયદા પરત ખેંચે. સરકારે દિલ્હી સરહદે દેખાવો કરી રહેલા ખેડૂતોની માંગને પગલે આ કાનૂન પરત ખેંચવા જોઈએ. આપણે ખેડૂતોના હિતોની જાળવણી કરવી જોઈએ. અન્ય રાજ્કીય પક્ષોમાંથી પણ નેતાઓના ભાજપમાં સામેલ થવા અંગે મમતાએ કેસરિયા પાર્ટી સામે આકરી ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ દેશનો સૌથી મોટો કચરો છે. જ્યાં તમામ સડેલા નેતાઓ એક છાવણી નીચે ભેગા થયા છે. અન્ય પાર્ટીના ભ્રષ્ટ અને સડી ગયેલા નેતાઓ ભાજપમાં સામેલ થાય છે. લોકો પાસેથી લૂટેલા રૂપિયાને સલામત રાખવા ટીએમસીના કેટલાક નેતા ભાજપમાં જોડાયા છે. ભાજપ એક વોશિંગ મશીન જેવી પાર્ટી છે. જ્યાં ભ્રષ્ટ નેતાઓના પાપ ઘોવામાં આવે છે. તેમણે ભાજપના કાર્યકરોની સરખામણી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો સાથે કરી હતી.