(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૮
ભાજપ અને ભાજપના હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓને હાથના કરેલા હૈયે વાગી રહ્યા હોય તેમ એક પછી એક કિસ્સાઓ બની રહ્યા છે. ગોંડલમાં રાજકીય કાવાદાવાના ભાગરૂપે નિલેશ રૈયાણીની ગોળીઓ ધરબી હત્યા કરી દેવાના ચકચારી બનાવમાં કાયદાની છટકબારીઓ શોધી છટકતા રહેતા ભાજપના ધારાસભ્યને આખરે કાયદાનું હવે ખરૂં ભાન થવાના દિવસો આવી ગયા છે. સેશન્સ કોર્ટથી છુટયા બાદ હાઈકોર્ટમાં દોષિત થવા છતાં બચવાનો માર્ગ શોધી રહેલ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને સુપ્રીમકોર્ટે કોઈ પણ રાહત આપવાનો ઈન્કાર કરી સરન્ડર થવાનો હુકમ કરતા ફરી એકવાર રાજયમાં ચર્ચાનું બજાર ગરમ થઈ ગયું છે.
વિધાનસભાની આવી રહેલી ચૂંટણીઓ માટે કાયદાની આંટીઘૂંટીઓમાંથી પાર પડી ચૂંટણી લડવાના મનસૂબા સેવી રહેલા ગોંડલના ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને હવે જેલ હવાલે થવાનો વારો આવ્યો છે. ગોંડલના ચકચારી નિલેશ રૈયાણી મર્ડર કેસમાં જયરાજસિંહ જાડેજા તથા અન્ય આરોપીઓ અમરજીતસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ રાણા (ભગત)ને ગુજરાત હાઈકોર્ટે ફટકારેલી આજીવન કેદની સજા સામે સુપ્રીમકોર્ટમાં અપીલ કરી સ્ટેની માગણી કરાતા તેને સુપ્રીમકોર્ટની ડિવિઝન બેન્ચે ફગાવી દઈ તા.૩૦મી સુધીમાં ત્રણેયને સરન્ડર થવાનો આદેશ કર્યો હતો. ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના વકીલો દ્વારા સુપ્રીમ સમક્ષ તાત્કાલિક જામીન અરજી કરી જેલમાં જવાથી બચાવનો પ્રયાસ કરાયો હતો પરંતુ સુપ્રીમકોર્ટે પહેલાં સરન્ડર થઇ જાઓ પછી જામીનઅરજીની સુનાવણી હાથ ધરાશે તેમ સ્પષ્ટ કર્યું હતું. સંભવતઃ તા.૩જી ઓકટોબરે આ જામીનઅરજીની સુનાવણી નીકળે તેવી શકયતા છે. નીલેશ રૈયાણી ખૂન કેસમાં ગુજરાત હાઇકોર્ટે આજીવન કેદની સજા પામનાર ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિત ત્રણેય આરોપીઓને પાંચ-પાંચ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો અને આરોપીઓને સજાના આ હુકમ સામે સુપ્રીમકોર્ટમાં જવા માટે તા.૩૦મી સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો. હાઇકોર્ટના આ ચુકાદાથી નારાજ ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા સુપ્રીમકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી અને સાથે સાથે જન્મટીપની સજાના હુકમ સામે સ્ટે આપવાની પણ માંગણી કરાઇ હતી. જો કે, સુપ્રીમકોર્ટે સ્ટેની માંગણી ધરાર ફગાવી દઇ જેલ ઓથોરીટી સમક્ષ સરન્ડર થઇ જવા ફરમાન કર્યું હતું. ચકચારભર્યા આ કેસની વિગતો એવી છે કે, રાજકોટના ગોંડલ ખાતે રાજાવાડીની ૩૫ એકર જમીનના વિવાદમાં છેલ્લા કેટલાય વર્ષોથી ઝઘડો અને તકરાર ચાલતા હતા. જેમાં ગત તા.૮-૨-૨૦૦૪ના રોજ નીલેશ રૈયાણીના નામના યુવકની જાહેરમાં કરપીણ હત્યા કરી દેવાઇ હતી. આ જમીનની અદાવતમાં વિક્રમસિંહ રાણા ઉર્ફે વિનુ શિંગાળાની હત્યાનો બદલો લેવા નીલેશ રૈયાણીનું મર્ડર કરાયું હતું. ચકચારભર્યા આ કેસમાં ગોંડલના ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ રાણા અને અમરસિંહ જાડેજા સહિતના આરોપીઓના નામો બહાર આવ્યા હતા. આ કેસમાં રાજકોટ સેશન્સ કોર્ટે ૨૦૧૦માં સમીરખાન પઠાણ નામના આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી, જયારે ભાજપના ધારાસભ્ય મહેન્દ્રસિંહ રાણા અને અમરસિંહ જાડેજા સહિતના અન્ય ૧૨ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકયા હતા. આ હુકમ સામે ફરિયાદપક્ષ તરફથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી અપીલની સુનાવણીના અંતે હાઇકોર્ટે નીચલી સેશન્સ કોર્ટનું આખું જજમેન્ટ ફેરવી નાંખ્યું હતું અને ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ રાણા અને અમરસિંહ જાડેજાને જન્મટીપની આકરી સજા ફટકારી હતી, જયારે સમીરખાન પઠાણ સહિતના બાકીના આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકયા હતા. ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદાને પગલે ગુજરાતના રાજકારણમાં પણ ખળભળાટ મચી ગયો હતો.