કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ ખાસ કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણી વારંવાર ભાષણ કરે છે કે કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ છે. ધારાસભ્ય સાચવી શકતી નથી. ભારતીય જનતા પાર્ટીના વિકાસના મોડલને અનુકરણ કરીને લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે. ભાજપના પ્રજાલક્ષી કાર્યક્રમોને જોઈને ધારાસભ્યો ભાજપમાં આવી રહ્યા છે. આજે અમે એક વીડિયો બતાવીએ છીએ જેમાં ભારતીય જનતા પાર્ટીની ચાલ, ચરિત્ર અને ચહેરો સ્પષ્ટ ઉજાગર થાય છે. ભ્રષ્ટાચારથી ભેગા કરેલા પૈસાથી કઈ રીતે જનપ્રતિનિધિઓ ખરીદવા સોદાબાજી થાય છે. કઈ રીતે કરોડો રૂપિયાથી પ્રજાનો જે જનમત છે તેને ખરીદવામાં આવે છે અને કઈ રીતે લોકશાહીના મૂલ્યોને ખતમ કરવામાં આવે છે. અમિત ચાવડાએ કહ્યું કે, વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે કઈ રીતે ભાજપે ધારાસભ્યો સાથે સોદાબાજી કરી છે. કરોડો રૂપિયા આપી રાજીનામા અપાવ્યા છે. આ સોદાબાજીમાં આખી પ્રક્રિયામાં ડીલ કરવામાં રાજયના મુખ્યમંત્રી, રાજયના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને અમિત શાહ આ ત્રણેયના નામનો સ્પષ્ટ ઉલ્લેખ થયા છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે, ભાજપ દ્વારા જયારે તેમના કાર્યો અને નીતિથી પ્રજા વચ્ચે જઈ શકાતું નથી. ત્યારે ભ્રષ્ટાચારથી ભેગા કરેલા પૈસાથી આ રીતે સોદાબાજી થાય છે, ધારાસભ્યોના રાજીનામા લેવાય છે અને આ ધારાસભ્યો સાથે સોદાબાજી કરી ફરીથી ટિકિટ આપવામાં આવે છે. અમિત ચાવડાએ જણાવ્યું કે, વીડિયોમાં મુખ્યમંત્રી, સીઆર પાટીલ અને અમિત શાહનો સ્પષ્ટ ઉલ્લેખ છે તેથી અમે માગણી કરીએ છીએ કે આ લોકશાહીના મૂલ્યોને બચાવવા માટે એક દેશના રાજયની જનતાના વિશ્વાસને ખરીદવાની હિંમત કરવામાં આવી છે, તેની ન્યાયિક તપાસ થવી જોઈએ.