(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૬
રાજ્યસભાની ચૂંટણી આવતા ભાજપના તોડોના વાયરસથી બચાવવા કોંગ્રેસના ધારાસભ્યોને રિસોર્ટ ક્વોરન્ટાઈન કરવાની ફરજ પડી છે. હાલ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો સહિત કુલ આઠ ધારાસભ્યો તુટતા વેન્ટિલેટર પર મુકાઈ ગયેલી કોંગ્રેસ માટે હવે રાજ્યસભાની એક બેઠકનો ભોગ આપવો પડે તે નિશ્ચિત થઈ ગયું છે. આ વખતે કોંગ્રેસે તમામ ધારાસભ્યોને એકસાથે રાખવાને બદલે ચાર ઝોન વહેંચી અલગ અલગ રિસોર્ટમાં વહેંચી નાખ્યા છે. રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં કોંગ્રેસ પક્ષમાં રાજીનામાનો દોર શરૂ થઈ જાય છે. કોંગ્રેસ પક્ષ પણ પોતાના ધારાસભ્યોને એક કરવા સદંતર નિષ્ફળ રહી છે. જ્યારે ધારાસભ્ય તૂટે છે ત્યારે કોંગ્રેસ પક્ષ ધારાસભ્યોને એક કરવા અને અન્ય ધારાસભ્ય ન તુટે તેના માટે રીસોર્ટમાં લઈ જાય છે. આ ઘટના રાજનીતિમાં નવી નથી. ૨૦૨૦માં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોના એક પછી એક રાજીનામા પડતા જયપુર રીસોર્ટ અને હવે ઝોન વાઈઝ અલગ અલગ રીસોર્ટમા લઈ જવાયા છે. હાલ કોંગ્રેસના તમામ ધારાસભ્યોને ચાર ઝોનમાં અલગ અલગ સિનિયર નેતાની જવાબદારીમાં રીસોર્ટ લઈ જવાયા છે. ઉત્તર ગુજરાતના ધારાસભ્ય સાચવવા માટે જગદીશ ઠાકોર અને સિદ્ધાર્થ પટેલ, દક્ષિણ ગુજરાતના ધારાસભ્ય માટે તુષાર ચૌધરી અને ગૌરવ પંડ્યા, સૌરાષ્ટ્રના ધારાસભ્ય માટે અર્જુનભાઈ મોઢવાડિયા અને પરેશ ધાનાણી અને મધ્ય ગુજરાત માટે રાજ્યસભાના ઉમેદવાર ભરતસિંહ સોલંકી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને જવાબદારી સોંપાઈ છે. ૨૦૧૭માં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય તોડવાની પ્રથા શરૂ થઈ હતી. ૧૪થી વધુ ધારાસભ્ય કોંગ્રેસનો હાથ છોડી જતા રહ્યા હતા. ત્યારબાદ ૨૦૧૯માં ફરી લોકસભા ચૂંટણી વખતે કોંગ્રેસના બે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા રાજીનામા આપતા કોંગ્રેસ પક્ષને મોટો ફટકો પડ્યો હતો. ફરી એ જ પુનરાવર્તન થયું છે. જેમાં ફરી રાજ્યસભાની ૨૦૨૦ ચૂંટણી વખતે આઠ ધારાસભ્યએ રાજીનામા ધરી દીધા છે. ફરી એક વાર કોંગ્રેસ પક્ષ પોતાની શાખ બચાવવા માટે રીસોર્ટ પોલિટિકસ શરૂ કર્યું છે. સૌરાષ્ટ્રના તમામ ધારાસભ્યોને રાજકોટમાં પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂના નીલ સિટીમાં એકઠા થવાનો આદેશ હતો. તે માટે સૌરાષ્ટ્રની જેઓને જવાબદારી સોંપવામાં આવી છે. તે પરેશ ધાનાણી અને અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્યોએ ફોન કરવા છતાં તમામ ધારાસભ્યોનો એક જ જવાબ હતો કે, ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો હોવાથી અને નીલ સિટીમાં આવીશું નહીં જો કે, કોંગ્રેસના સ્થાનિક નેતાના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના તમામ કોંગ્રેસી ધારાસભ્યો રાજકોટમાં જ છે પરંતુ પ્રદેશ નેતાગીરી તરફથી જાણ કરવામાં આવી ન હોવાથી કોઈ ગયું નથી.