(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨
નવા નાણાકીય વર્ષમાં સુરત મહાનગરપાલિકાએ સુરત શહેરની પ્રજાના માથે લાદવામાં આવેલા રૂા.૫૩૭ કરોડના વેરા વધારાના વિરોધમાં આજથી સુરત શહેર કોંગ્રેસ પક્ષે ઉગ્ર આંદોલનનો પ્રારંભ કર્યો છે. ગઈકાલે પત્રકાર પરિષદમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈ, વિપક્ષી નેતા પ્રફુલ તોગડિયા, પૂર્વ વિપક્ષી નેતા બાબુભાઈ રાયકા, ભૂપેન્દ્ર સોલંકી સહિતનાએ વેરા વધારાની સામે જન આંદોલન કરવાની જાહેરાત કરી હતી. જેના અનુસંધાને આજે સાંજે ચાર કલાકે ચોક ખાતે ગાંધીજીની પ્રતિમાને વંદના કરી આંદોલનનો પ્રારંભ કર્યો હતો. કોંગ્રેસ પક્ષે જણાવ્યું હતું કે, ભાજપ શાસકોના અણધડ વહીવટને કારણે પ્રજાના માથે વેરા વધારારૂપી બોજા નાખવામાં આવ્યો છે, એ સદંતર ખોટો છે. ભાજપ શાસકોના પાપે આજે મનપાની તિજારીના તળિયા દેખાઈ રહ્યા છે. ઉત્સવ ઘેલા ભાજપ શાસકો પ્રજાને લૂંટી રહી છે. જ્યાં સુધી આ વેરા વધારો પાછો નહીં ખેંચાય, ત્યાં સુધી કોંગ્રેસ પક્ષ ઉગ્ર જન આંદોલન ચાલુ રાખશે. અત્રે નોંધનીય છે કે, મનપા કમિશનરના સૂચિત વેરા વધારાને કારણે ભાજપ શાસકોના પણ વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે. આગામી દિવસીય મનપા કમિ. એમ. થેન્નારસનનું બજેટ સ્થાયી સમિતિમાં રજૂ થશે ત્યારે જાવાનુ એ રહેશે કે કોંગ્રેસ પક્ષનું વેરા વધારા સામેનું હલ્લાબોળ આંદોલન કેટલું સફળ થશે. સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈના જણાવ્યા મુજબ વેરા વધારા સામે આગામી દિવસોમાં ઉગ્ર દેખાવો સહિતના કાર્યક્રમો કરવામાં આવશે. તમામ ઝોન વિસ્તારમાં જન જાગૃતિ તેમજ ધરણાના કાર્યક્રમો સાથે ભાજપના ધારાસભ્યો, સંસદ સભ્યોનો ઘેરાવો કરવામાં આવશે. ભાજપ શાસકોના પાપે મનપાની તિજારી ખાલી થઈ ગઈ છે. ત્યારે આ તિજારી ભરવા માટે કોંગ્રેસ પક્ષ ચાર રસ્તા ઉપર ઊભા રહીને એક એક રૂપિયો ઉઘરાવીને મનપાની તિજારીમાં જમા કરાવી આ વેરા વધારો પાછો ખેંચવા માટે નમાલા ભાજપ શાસકોને ફરજ પાડવામાં આવશે.