(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૨
ચૂંટણીઓ દરમિયાન રાજકીય કાવાદાવા વગેરેને લઈને હરીફ ઉમેદવારો કે તેમના સમર્થકો વચ્ચે ઘર્ષણના બનાવો બનતા રહે છે અને તેમાં અદાવતમાં આગળ જ્યાં ગંભીર પરિણામો પણ આવતા હોય છે ત્યારે મોરબીના પણ આવા જ એક ચૂંટણી સમયની મારામારી અંગેના કેસમાં ભાજપના મહિલા ધારાસભ્ય નીમાબેન આચાર્ય સહિતના ત્રણ રાજકીય નેતાઓને કોર્ટે સજા ફટકારતા રાજકીય અમલમાં ચર્ચાનું બજાર ગરમ થઈ જવા પામ્યું હતું. વિધાનસભાનું બજેટ સત્ર મળવાને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે હાલમાં ગૃહના અધ્યક્ષની ચૂંટણી અગાઉ જેને ભાજપ સરકારે પ્રોટેમ સ્વીકાર બનાવ્યા છે તેવા ડૉ. નીમાબેન આચાર્યને કોર્ટ દ્વારા સજા ફટકારવાની વિગતો બહાર આવતા રાજ્યના રાજકીય આલમમાં ગરમાવો આવી ગયો છે. ચૂંટણી સમયે થયેલી મારામારીના એક કેસમાં આજે મોરબી કોર્ટ દ્વારા ભાજ૫ના પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા, ભાજ૫ના વર્તમાન ધારાસભ્ય નીમાબેન આચાર્ય સહિત ત્રણને એક વર્ષની સજા ફટકારી છે. સજાની આ સુનાવણીના ૫ગલે રાજકીય વર્તુળોમાં સારી એવી ચર્ચા જાગી છે. વર્ષ ૨૦૦૯માં ચૂંટણી સમયે થયેલી મારામારીની એક ઘટનાનો કેસ મોરબીની કોર્ટમાં ચાલી રહ્યો હતો. આ કેસમાં કોર્ટ દ્વારા આજે ધારાસભ્ય નીમાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા તેમજ મનોજ ૫નારાને એક વર્ષની કેદની સજા તથા રૂ.બે હજારનો દંડ ફટકારતો ચૂકાદો જાહેર કર્યો છે. જો કે, આ કોર્ટના કામ સામે આગળની કોર્ટમાં જવા માટેના સમયની માંગ સાથે હાલ પૂરતો સ્ટે આપવા માગણી કરાતાં કોર્ટે સ્ટે આપ્યો હોવાની વિગત પ્રાપ્ત થઈ છે.