આજથી ત્રણ દિવસ માટે ‘સાત પગલાં ખેડૂત ભણી’ હેઠળ કરશે પ્રવાસ
(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૨૭
ભાજપના નવા પ્રદેશ પ્રમુખની વરણી બાદ વધુ નવું-નવું થઈ રહ્યું છે. કાર્યકરોને જોશ સાથે કામે લગાડવાની હાકલ અને સરકારના મંત્રીઓ સપ્તાહમાં બે દિવસ ભાજપ પ્રદેશ કાર્યાલયે હાજર રાખવાના આદેશ બાદ હવે રાજ્યના તમામ જિલ્લાઓમાં સરકારના મંત્રીમંડળના મંત્રીઓ તથા બોર્ડ નિગમના હોદ્દેદારો વગેરેને કામે લગાડવામાં આવી રહ્યા હોવાની વિગતો પ્રાપ્ત થાઈ રહી છે. ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના આગમન બાદ હવે મંત્રીમંડળને પણ ગાંધીનગર બહાર ફીલ્ડમાં ઉતારવા જાહેર કરેલા ઈરાદાનો અમલ શરુ થઈ ગયો છે અને આવતીકાલથી ત્રણ દિવસ માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળના ૧૯ સભ્યો તથા બોર્ડ નિગમના ચેરમેન સહીત ૩૦ સરકારી પદાધિકારીઓ ‘સાત પગલા ખેડૂત ભણી’ બેનર સાથે રાજ્યભરમાં તેમને ફાળવવામાં આવેલા જિલ્લાઓનો પ્રવાસ કરીને પ્રધાનમંત્રી કિસાન સહાય યોજનાથી લઈને રાજ્ય સરકારે જે ખેડૂતલક્ષી પગલાઓ હાથમાં લીધા છે તેની માહિતી આપશે.
મંત્રીઓ તથા બોર્ડ નિગમના અધ્યક્ષ તા.૨૮થી ૩૦ શુક્રથી રવિવાર સુધી તેમને ફાળવવામાં આવેલા જિલ્લામાં જશે. મુખ્યત્વે તેમના મતક્ષેત્ર અથવા જયાં તેઓ પ્રભારી છે તે જિલ્લામાં જશે અને ખેડૂતલક્ષી યોજનાઓની માહિતી આપશે તથા તેમના પ્રશ્નો પણ જાણશે જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણામાં કેમ્પ કરશે તો રાજકોટ જિલ્લામાં કેબીનેટમંત્રી જયેશ રાદડીયાને જવાબદારી સોંપાઈ છે. બોર્ડ નિગમના અધ્યક્ષ રાજકોટના ધનસુખ ભંડેરીને જામનગર ઉપરાંત જયાં પેટાચૂંટણી યોજાવાની છે ત્યાં તેમને જવાબદારી સોંપાઈ છે તે ધારી મતક્ષેત્રમાં જશે. આમ ભાજપના મંત્રીઓને ફીલ્ડમાં ઉતારવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે અને તેમાં પેટાચૂંટણીના પ્રચારને પણ આડકતરી રીતે સમાવી લીધો છે. આ પ્રકારે રાજ્યના તમામ જિલ્લાઓ ભાજપના મંત્રીઓ સહિતના હોદ્દેદારો કવર કરશે એવી વિગતો ભાજપના સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે.
Recent Comments