(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
ઉત્તરપ્રદેશ અને બિહારની પેટાચૂંટીમાં ભાજપને મળેલી નિષ્ફળતા બાદ રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના નેતા તેજસ્વી યાદવે મોદી સરકારને આડે હાથ લીધી હતી.
તેજસ્વીએ જણાવ્યું હતું કે બિહારના જેહાનાબાદમાં ભાજપના કારમાં પરાજય બાદ તેમને શંકા છે કે હવે ઉત્તરપ્રદેશ તથા બિહારમાં ઈડી અને સીબીઆઈની કાર્યવાહીમાં એકાએક વધારો થઈ જશે. તેમણે જણાવ્યું હતું કે ઉપમુખ્યમંત્રી સુશીલકુમાર મોદી આટલા બધા કૌભાંડોમાં સામેલ છે પણ તેમની સામે કોઈ કાર્યવાહી થઈ નથી. હવે અમને વિશ્વાસ છે કે, બિહાર અને ઉત્તરપ્રદેશમાં પરાજય મળ્યા બાદ મોદી અને અમિત શાહ ઈડી તથા સીબીઆઈનો ગેરઉપયોગ કરશે. સીબીઆઈ તથા ઈડીની કાર્યવાહી તેજ બનશે. બિહાર અને ઉત્તરપ્રદેશની પેટાચૂંટણીના પરિણામો બુધવારે જાહેર થયા હતા. પરિણામો જોતા રાજદનું પલ્લું ભારે રહ્યું હતું. જીતનું અંતર પણ ખૂબ મોટું હતું. બિહાર વિધાનસભાની બે બેઠકો તથા લોકસભાની એક બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ હતી. અરેરિયા, જેહાનાબાદ, ભાબુઆ બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. જેહાનાબાદ તથા ભાબુઆ વિધાનસભા બેઠક છે જ્યારે અરેરિયા લોકસભા બેઠક છે. ઉત્તરપ્રદેશમાં પણ ભાજપે ગોરખપુર, ફૂલપુરની પોતાની પરંપરાગત બેઠકો ગુમાવી હતી. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુરથી પાંચ ટર્મથી વિજય થતાં આવ્યા હતા જ્યારે ફૂલપુર ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રીની બેઠક હતી.