(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૩

રાજ્યભરમાં કોરોના મહામારીએ હાહાકાર સર્જયો છે અને તેને લઈને સરકાર એક તરફ કડક અભિગમ અપનાવતા પગલાઓ લઈ રહી છે. ત્યારે સરકારના જ શાસક પક્ષ એવા ભાજપ તરફથી કોરોનાની ગાઈડલાઈનનો સ્પષ્ટ ભંગ કરવાના કૃત્યો અવારનવાર બની રહ્યાં છે અગાઉ ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા લોકોની ભીડ જમા કરી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરાયા બાદ હવે ડીસા ખાતે ધારાસભ્ય શશીકાન્ત પંડ્યાએ રાજ્યની અગ્રણી સિંગર કિંજલ દવે સાથે ઘોડા પર બેસી વરઘોડો કાઢ્યો હોય તેમ ફરતા મોટી ભીડ એકઠી થઈ હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઊડતા જોવા મળ્યા હતા.

રાજ્યમાં અનલૉક ૫.૦ લાગુ છે પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ૧૦૦-૨૦૦ જણા સુધી લોકોને એકઠા કરવાની છૂટ છે. તથા ક્યાંય પણ ટોળે વળીને કાર્યક્રમો યોજવાની છૂટ નથી. આ સ્થિતિમાં રાજ્યના બનાસકાંઠા જિલ્લાના ડિસા તાલુકાના ડેડોલ ગામમાંથી ચિંતાજનક દૃશ્યો સામે આવ્યા છે. અહીંયા એક જાહેર કાર્યક્રમમાં જાણીતી ગાયક કિંજલ દવે અને ધારાસભ્ય શશીકાંત પડ્યાને ઘોડે બેસાડીને ગામમાં ફેરવતા જાણે કોરોનાનો વરઘોડો નીકળ્યો હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. આ જોખમી કાર્યક્રમ બદલ આયોજકોએ ગંભીર ભૂલ કરીને લોકોના જીવ જોખમમાં મૂક્યા છે. અહીંયા રોડના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ગુજરાતની સિંગર કિંજલ દવે અને ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાને લીધે સોશિયલ ડિસ્ટન્સનો સ્પષ્ટ ભંગ થતો હોવાનું જણાયું હતું.

આ બંને મહેમાનોને ઘોડે ચઢાવી અને ગામમાં તેમનો વરઘોડો કાઢતા માણસોનું ધોડાપૂર ઉમટ્યું હતું. એક બાજુ સરકાર સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોના વાયરસને ગંભીરતાથી લેવાની ટકોર કરી રહી છે. આર્થિક કટોકટી નિવારવા જ વેપાર ધંધા ખુલ્લા રાખવામાં આવ્યા છે ત્યારે આવા કાર્યક્રમો યોજીને આયોજકોએ હજારો લોકોના જીવ જોખમમાં મૂક્યા છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમોમાં કિંજલ દવેના જ ગીતો પર ડીજેના તાલ પર લોકોના ટોળેને ટોળા વળ્યા હતા. ડેડોલના ગ્રામજનોએ ઘોડા પર બેસાડી તેમનું સ્વાગત કર્યું હતું ત્યારે રોડના ખાતમહૂર્તમાં ધારાસભ્ય સાથે આવેલી કિંજલને જોવા જનમેદની ઊમટી પડી હતી. કિંજલ દવે ઘોડા પર બેસી ધારાસભ્ય સાથે સેલ્ફી લેતી નજરે પડી હતી. ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને કિંજલ દવેને જોવામાં લોકાએે સોશિયલ ડિસ્ટન્શનો ભંગ કર્યો.

દરમિયાન બનાસકાંઠામાં અત્યારસુધીમાં કોરોના વાયરસના ૨૧૧૫ કેસ નોંધાઈ ચુક્યા છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા પછી સૌથી વધુ અસર બનાસકાંઠામાં થઈ છે. હાલમાં ૧૩૧૮ જેટલા કેસ એક્ટિવ છે. ગઈકાલે પણ ૨૬ નવા કેસ નોંધાયા છે. સરકારી ચોપડે જિલ્લામાં ૨૨ મોત થયા છે ત્યારે આવા કાર્યક્રમો કેટલા ઉચિત છે તે મોટો પ્રશ્ન છે. આ કાર્યક્રમ ગ્રામ પંચાયત દ્વારા યોજવામાં આવ્યો હતો કે કેમ તે અંગે માહિતી મળી નથી પરંતુ ધારાસભ્ય પણ આ કાર્યક્રમમાં મહેમાન હોય તેવું જાણવા મળ્યું છે પરંતુ જવાબદાર વ્યક્તિ તરીકે આ કાર્યક્રમમાં આવતા પહેલાં તેમણે પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની વ્યસ્થા અંગે પૃચ્છા કરી હોય તેવું જણાતું નથી.