(એજન્સી) નવી દિલ્હી, તા.૬
દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાંચે શુક્રવારે ભાજપના પ્રવક્તા નવીન કુમારની ફરિયાદના આધારે વરિષ્ઠ પત્રકાર અને એન્કર વિનોદ દુઆ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી. કુમારે ૪ જૂને નોંધાયેલી ફરિયાદમાં દુઆ વિરૂદ્ધ કથિત રીતે દિલ્હી રમખાણો અંગે અયોગ્ય રિપોર્ટિંગ કરવાનો અને જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપમાં સામેલ થવા અંગે ખોટા સંદર્ભમાં રિપોર્ટિંગ કરવાનો આક્ષેપ કર્યો છે. કુમારે દુઆ વિરૂદ્ધ દાખલ થયેલી પાંચ પાનાની એફઆઈઆર તેમના ટ્‌વીટર એકાઉન્ટ પર શેર કરી હતી. પૂર્વ દિલ્હીના લક્ષ્મીનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કુમારે આક્ષેપ કર્યો હતો કે, દુઆએ યુટ્યૂબ ચેનલ ૐઉ પર આવતા ‘ધ વિનોદ દુઆ શૉ’માં કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે હિંસાને રોકવા માટે કશું કર્યું ન હતું અને તેના માટે વડાપ્રધાન તેમજ ગૃહમંત્રી જવાબદાર છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, વિનોદ દુઆ વિરૂદ્ધ આઈપીસીની ધારા ર૯૦, પ૦પ અને પ૦પ(ર) હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. વિનોદ દુઆએ એક ન્યૂઝ વેબસાઈટને જણાવ્યું હતું કે, પોલીસે હજી સુધી આ અંગે મારો સંપર્ક કર્યો નથી. જ્યારે પોલીસ મારો સંપર્ક કરશે ત્યારે હું આ અંગે કાર્યવાહી કરીશ. દુઆએ આ પણ કહ્યું હતું કે, તેમણે આ એફઆઈઆર અંગે નવીન કુમારનો ટિ્‌વટ જોયો હતો.