(એજન્સી) તા.૨૮
મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાના પીઢ પત્રકાર તાન્સેન તિવારીએ ભાજપના એક નેતા વિરૂદ્ધ સોમવારે સોશિયલ મીડિયામાં મૂકેલી પોતાની પોસ્ટમાં ગપ્પુ અને તડીપાર કહેવા પોલીસે તેમની સામે કાયદેસરની ફરિયાદ નોંધી હતી. જો કે, ગ્વાલિયર પ્રેસ ક્લબે પોલીસના આ પગલાંનો સખત વિરોધ કરતા રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસને એક આવેદન આપ્યું હતું. અમે આ મીડિયાની આઝાદી ઉપર સીધી તરાપ છે એમ કહેતાં તિવારી સામે નોંધાયેલી ફરિયાદને પાછી ખેંચી લેવાની માગણી કરી હતી.
ભાજપના નેતા અને એડવોકેટ અવધેશસિંઘ ભદૌરિયાએ પક્ષના લેટરહેડ ઉપર ગોલા કા મંદિર પોલીસ સ્ટેશને લેખિત ફરિયાદ આપી હતી. ત્યારબાદ પોલીસે પત્રકાર સામે કેસ નોંધ્યો હતો. પોતાની ફરિયાદમાં ભદૌરિયાએ કહ્યું હતું કે, ૬૬ વર્ષીય પત્રકાર તિવારીએ ફેસબૂક ઉપર મૂકેલી તેમની એક પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પરોક્ષ રીતે ગપ્પુ તરીકે ચિતરવાનો અને પક્ષના અન્ય એક નેતાને પણ પરોક્ષ રીતે તડીપાર અને બળાત્કારી તરીકે ઉપસાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમની આ પોસ્ટના કારણે પક્ષ અને તેના નેતાઓની પ્રતિષ્ઠા ખરડાઇ છે, એટલું જ નહીં પરંતુ તેમની આ પોસ્ટથી પક્ષના નેતાઓની અને કરોડો કાર્યકરોની લાગણીને ઠેસ પહોંચી છે.
ઉલ્લેખનીય છે કે, તિવારીએ પોતાની પોસ્ટમાં નરેન્દ્ર મોદીના નામનો સહેજપણ ઉલ્લેખ કર્યો નહોતો, પરંતુ મોદીના ટિકાકારો સોશિયલ મીડિયામાં તેમને ગપ્પુ અને ફેકુ જરૂર કરે છે. જ્યારે સોહરાબુદ્દી-કૌશર બી હત્યાકેસમાં ગૃહમંત્રી અમિત શાહને હાઇકોર્ટે ગુજરાત બહાર તડીપાર કરવાની શરતે જામીન આપ્યા હતા, તેથી સોશિયલ મીડિયામાં તેમના ટિકાકારો ઘણીવાર તેમને તડીપાર શબ્દથી નવાજે છે.
ભાજપના નેતાની લેખિત ફરિયાદ બાદ તરત જ ગ્વાલિયર પોલીસે પત્રકાર તિવારી વિરૂદ્ધ કેસ નોંધ્યો હતો એમ ગોલા કા મંદિર પોલીસ સ્ટેશનના ટાઉન ઇન્સપેક્ટર હિરાસિંઘ ચૌહાણે ધ વાયર વેબ પોર્ટલે કહ્યું હતું. ભાજપના નેતાની ફરિયાદના આધારે પત્રકાર તાન્સેન તિવારી સામે ફેસબૂક ઉપર પોસ્ટ મૂકવા બદલ રવિવારે આઇપીસીની કલમ ૨૯૪ અને ૫૦૦ તથા આઇટી એક્ટની પેટા કલમ ૬૭ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો હતો, એમ ચૌહાણે ઉમેર્યું હતું.