અમદાવાદ, તા.૨૮
રાજકોટના ચકચારભર્યા ડમીકાંડ કૌભાંડ મામલે આજે નિર્ણાયક પગલા લેવાયા હતા જેમાં ભાજપના નેતા અલ્પેશ ઢોલરિયાને ચાર વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ ગોંડલમાં એમબી કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ્દ કરવામાં આવ્યું છે. ઉત્તરવહીમાં સહી અલગ હોવાનું સામે આવતા અલ્પેશ સામે પગલા લેવાયા હતા, જેને પગલે સ્થાનિક રાજકારણ ગરમાયું હતું. અલ્પેશ ઢોલરિયાને ચાર વર્ષ સુધી સસ્પેન્ડ કરાતાં તે હવે ચાર વર્ષ સુધી કોઇ પરીક્ષા આપી શકશે નહી. ગોંડલના ભાજપના અલ્પેશ ઢોલરીયાની સંડોવણી ધરાવતો ડમીકાંડ મામલો ખુબ ગાજ્યો હતો. પરંતુ અલ્પેશ ઢોલરીયા ભાજપનો નેતા છે એટલે અને વગ ધરાવતો શખ્સ હોવાને કારણે તેની સામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ પગલા લેવામાં ઠાગાઠૈયા કરતી હતી પરંતુ આ સમગ્ર વિવાદ વકરતાં આખરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પગલા લેવાયા છે જેમાં અલ્પેશને આવનારા ચાર વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને એમબી કોલેજનું પરીક્ષા કેન્દ્ર જ રદ્દ કરી દેવામાં આવ્યું છે. આ આખી ઘટનાના સીસીટીવી સામે આવતા ડમી કાંડ અને માસ કોપીકેસનો મામલો સામે આવ્યો હતો. અલ્પેશની સ્થાને બીજા વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જે સીસીટીવીમાં ઝડપાઈ ગયો હતો. વળી ૩૪ ઉત્તરવહીમાં સેમ ટુ સેમ લખાણ જણાતા આખો માસ કોપી કૌભાંડ કેસ અને ડમી વિદ્યાર્થીઓનો કાંડ સામે આવ્યો હતો. જેને પગલે રાજકોટ સહિત સમગ્ર રાજયમાં ખાસ કરીને શિક્ષણજગતમાં ભારે ચકચાર મચી ગઇ હતી.
ભાજપના નેતા અલ્પેશ ઢોલરિયાને ચાર વર્ષ માટે સસ્પેન્ડ કરાયા

Recent Comments