(એજન્સી) તા.૧૩
ભાજપના વરિષ્ઠ નેતા યશવંતસિંહાએ પાકિસ્તાનના પૂર્વ વિદેશ પ્રધાન ખુર્શીદ અહમદ કસૂરીના માનમાં યુપીએના પૂર્વ પ્રધાન મણિશંકર અય્યરના નિવાસસ્થાને યોજાયેલી એક ખાનગી ભોજન બેઠકનો બચાવ કર્યો હતો કે જેમાં પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં લશ્કરના પૂર્વ વડા દિપક કપૂર અને પાકિસ્તાનના કેટલાય પૂર્વ ભારતીય રાજદ્વારીઓ પણ હાજર રહ્યા હતા.
‘ધ વાયર’ સાથેની વાતચીતમાં યશવંતસિંહાએ જણાવ્યું હતું કે ભારત-પાક શાંતિની શક્યતા અને તકો ચર્ચવા માટે મણિશંકર અય્યરે ભોજન બેઠક યોજી તેમાં મને કશું અયોગ્ય કે ખોટું જણાતું નથી. આ બેઠકમાં મને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ મહારાષ્ટ્રમાં અકોલા ખાતે મારા પૂર્વ રાજકીય રોકાણોને કારણે હું હાજર રહી શક્યો ન હતો. યશવંતસિંહા અકોલા ખાતે ખેડૂતોની માગણીના સમર્થનમાં ધરણામાં ભાગ લેવા ગયા હતા કે જ્યાં સ્થાનિક પોલીસો દ્વારા તેમના ધરપકડ કરવામાં આવી હતી. પાછળથી રાજ્ય સરકારે ખેડૂતોની માગણીનો સૈદ્ધાંતિક સ્વીકાર કરતા તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.
અટલબિહારી વાજપેયી સરકારના પૂર્વ નાણાપ્રધાને જણાવ્યું હતું કે અય્યર અને કસૂરી કેમ્બ્રિજ યુનિવર્સિટીના પોતાના દિવસોથી સારા મિત્રો છે અને અય્યરે ભારત-પાક સબંધો પર કસૂરીના પુસ્તકના વિમોચન પ્રસંગે બીજા એક ભોજન સમારંભનું આયોજન કર્યુ હતું. એ વખતે મેં પણ હાજરી આપી હતી અને કસૂરીના પુસ્તક પર પેનલ ચર્ચામાં ભાગ લીધો હતો. જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખરેખર એ બાબતે ગંભીર હોય કે ગુજરાતની ચૂંટણીઓને પ્રભાવિત કરવા મણિશંકર અય્યરના ઘરે યોજાયેલ ભોજન બેઠક એક સાઝીશ હતી તો તેમણે આ બાબતમાં સ્વતંત્ર તપાસ યોજવી જોઇએ. અન્યથા વડાપ્રધાને બેજવાબદાર નિવેદન કયુર્ં છે એવંુ ગણાશે. યશવંતસિંહાએ પાકિસ્તાન સાઝીશના આક્ષેપને હાસ્યાસ્પદ અને વાહિયાત ગણાવ્યો હતો.