(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૧૪
ઓડ નગરપાલિકાની સામાન્ય ચુંટણી આડે હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે,ત્યારે આજે વેલેન્ટાઈન ડેનાં દિવસેજ ભાજપનાં પૂર્વ નગર પ્રમુખ સહીત આગેવાનો અને ૪૦૦ જેટલા કાર્યકરોએ ભાજપની સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાતા ખળભળાટ મચી જવા પામ્યો છે,ઓડ ખાતે આજે યોજાયેલી કોંગ્રેસની જાહેરસભામાં ધારાસભ્ય અમિત ચાવડાએ ભાજપનાં આગેવાનો અને કાર્યકરોનો તીરંગો ખેસ પહેરાવી કોંગ્રેસમાં પ્રવેસ આપી સ્વાગત કર્યું હતું.જેને લઈનેે ભાજપમાં ભડકો થયો છે.
આણંદ જિલ્લાનાં ઓડ બાંધીપુરા ખાતે જલારામ મંદીરમાં આંકલાવનાં ધારાસભ્ય અમિત ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલી કોંગ્રેસની જાહેરસભામાં ભાજપનાં પૂર્વ નગર પ્રમુખ અને કિશાન મોરચાનાં હાલનાં પ્રમુખ શૈલેષભાઈ બુધાભાઈ પરમાર,ભાજપ મહિલા મોરચાનાં પ્રમુખ કલ્પનાબેન પરેસભાઈ પટેલ,પૂર્વ કાઉન્સીલર અને ઉમરેઠ એપીએમસીનાં પૂર્વ ચેરમેન ઉપેન્દ્રભાઈ મનસુખભાઈ રાવ,લધુમતી મોરચાનાં પ્રમુખ ફિરોજખાન પઠાણ સહીત આગેવાનો અને ૪૦૦ કાર્યકરોએ ભાજપ છોડી કોંગ્રેસમાં પ્રવેસ કર્યો હતો,
ધારાસભ્ય અમિતભાઈ ચાવડાએ તેઓને કોંગ્રેસનો તીરંગો ખેસ પહેરાવીને કોંગ્રેસમાં પ્રવેસ કરાવી સ્વાગત કર્યું હતું.ચુંટણીનાં ત્રણ દિવસ પૂર્વેજ ભાજપનાં પૂર્વ નગર પ્રમુખ સહીત આગેવાનોએ ભાજપને છોડી કોંગ્રેસનો ખેસ પહેરતા ચુંટણીમાં ભાજપને જબરદસ્ત ફટકો પડયો છે.
ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયેલા શૈલેષભાઈ પરમારે કહ્યું હતું કે ઓડ નગરપાલિકામાં ભાજપ માટે આ વખતે વળતા પાણી છે,ગુજરાત અને હવે દિલ્હીમાં ભાજપે સત્તા પ્રાપ્ત કર્યા બાદ પણ ઓડ હત્યા કાંડમાં આરોપીઓ જેલમાં સબડી રહ્યા છે,ભાજપએ અમારો દુરૂપયોગ કર્યો છે,ઓડ નગરપાલિકામાં એકજ વ્યકિતનું એક હથ્થુ શાસન ચાલી રહ્યું છે.અને પાલિકામાં લાખો રૂપિયાનાં ભ્રષ્ટાચાર થયા છે,જે અંગે ભાજપનાં મોવડી મંડળ સમક્ષ અનેક રજુઆતો કરવા છતાં મોવડી મંડળ દ્વારા ગોપાલસિંહ રાઉલજી વિરૂદ્ધ કોઈ પગલા ભરવામાં આવ્યા નથી,જેનાં કારણે અમારે ભાજપને છોડીને કોંગ્રેસમાં જોડાવું પડયું છે,અને આ વખતે ઓડ નગરપાલિકા ભાજપ પાસેથી આંચકી લઈ તેમાં કોંગ્રેસનું શાસન લાવીશું તેમ જણાવ્યું હતું.