આણંદ, તા.૨૭
ખંભાત શહેરમાં ગત રવિવારે બે કોમ વચ્ચે કોમી અથડામણ બાદ સોશિયલ મીડિયામાં મંગળવારના રોજ ગવારા ટાવર પાસે હિંદુ સમાજના લોકોને ભેગા થવા મેસેજો વાયરલ કરી હજારો લોકોને એકત્ર કરી જ્યાં હિંદુ નેતાઓ દ્વારા ઉશ્કેરણીજનક પ્રવચનો કરી રેલી કાઢી કટ્ટરવાદીઓના ટોળાએ લઘુમતી સમાજના બે મકાનો, દુકાનો તથા વાહનોની તોડ-ફોડ કરી આતંક મચાવ્યો હતો. આ બનાવમાં પોલીસે ઉશ્કેરણીજનક ભાષણ કરનારાઓ સામે ઉશ્કેરણી કરવાનો ગુનો નોંધવાને બદલે માત્ર જાહેરનામા ભંગનો ગુનો નોંધી હળવી કાર્યવાહી કરતા મુસ્લિમ સમાજમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. જો આ કેસમાં પોલીસ ઉશ્કેરણી કરવાનો ગુનો નહીં નોંધે તો કોર્ટ કાર્યવાહી કરવા મુસ્લિમ આગેવાનો, વકીલો સાથે પરામર્શ કરી રહ્યા છે. રવિવારે ખંભાત શહેરમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. જેમાં કટ્ટરવાદી તત્ત્વોએ મંગળવારે સોશિયલ મીડિયા મારફત મેસેજ વાયરલ કરી લોકોના ટોળાને ગવારા ટાવર પાસે ભેગા કરવાનું આહ્‌વાન કરતા હજારો લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જેમાં કટ્ટરવાદી નેતાઓએ ઉશ્કેરણીજનક ભાષણો કરતા ટોળામાં ઉશ્કેરાટ વધી ગયો હતો. જેઓએ રેલી કાઢી મુસ્લિમ સમાજ વિરોધી સૂત્રોચ્ચાર કરતા વાતાવરણ તંગ બની ગયું હતું અને આ તોફાની ટોળાએ લઘુમતી સમાજના બે મકાનો, દુકાનો અને વાહનોની તોડફોડ કરી આગ ચાંપી હતી, જે બનાવમાં પોલીસે ભાજપના પૂર્વ ધારાસભ્ય, કાઉન્સિલર તથા હિંદુ સંગઠનના નેતાઓ, કાર્યકરો સહિત ૧૮ આરોપીઓ સામે ઉશ્કેરણી કરવાનો ગુનો નોંધવાને બદલે માત્ર જાહેરનામા ભંગનો ગુનો નોંધતા મુસ્લિમ સમાજમાં તેના ઘેરા પડઘા પડ્યા છે અને ભારે વિરોધ દર્શાવ્યો છે. આ અંગે કોર્ટ કાર્યવાહી કરવા આગેવાનો વકીલો સાથે વિચાર વિમર્શ કરી રહ્યા છે. પોલીસ દ્વારા ભાજપના પૂર્વ ધારાસભ્ય સંજય પટેલ, પીનાકીન બ્રહ્મભટ્ટ કાઉન્સિલર, યોગેશ શાહ ઉર્ફે યોગેશ સાડી, નાનકા પટેલ, જયવીર જયરાજભાઈ જોષી, નંદકિશોર બ્રહ્મભટ્ટ, છતરડીવાળા આરમના વિશ્વાનંદ સ્વામી, હિંદુ જાગરણ મંચના હંસાબેન શ્રીગૌડ, પ્રમુખ કેતન પટેલ રહે. નડિયાદ, હિંદુ જાગરણ મંચના પ્રમુખ નીરવ જૈન રહે.વડોદરા, ધર્મેન્દ્રસિંહ રાઠોડ, કલ્પેશ પંડિત, અશોક ખુલાસી, રાજુ રાણા, કાઉન્સિલર, રીટા રાણા, બલરામ પંડિત રહે. ગર્ધક વાડો, પાર્થિવ પટેલ રહે. ગવારા, મંગો શાહ (ભૂતપૂર્વ કાઉન્સિલર) સહિત કુલ ૧૮ જણા સામે પોલીસે જાહેરનામા ભંગની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે પોલીસ રેલી બાદ તોડફોડ કરી બે મકાનો અને વાહનોમાં આગચાંપી કરનારાઓ વિરલ શંકર પટેલ, જિજ્ઞેશ ગોપાલ ચુનારા, ઈશ્વર સોમા માછી સહિત ૪૦૦થી પ૦૦ માણસોના ટોળા વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે.