અમદાવાદ, તા.ર૩
ભારતીય જનતા પાર્ટી (ભાજપા)એ ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલની નિમણૂંક એ ભાજપનું રાજકીય દેવાળું છે. સાડા છ કરોડ ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરી શકે તેવો કોઈ કાર્યકર ભાજપ પાસે ન હોતો કે જેમની સામે એક સમયે ૧૦૭ જેટલા ગુનાઓ કોર્ટમાં નોંધાયેલા હતા તેમની નિમણૂક કરવી પડી ? તેવો સણસણતો આક્ષેપ કરી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે આ ભાજપનો નવતર પ્રયોગ છે કે જેવો ગુનાનો વ્યાપ એવું હોદ્દાનું માપ. અર્જુન મોઢવાડિયાએ સી.આર. પાટીલની લોકસભા ૨૦૧૪ની ચૂંટણીના ઉમેદવાર તરીકે રજૂ કરેલ સોગંદનામાની નકલો રજૂ કરતાં જણાવ્યું હતું કે, સી.આર. પાટીલે તેમના સોગંદનામાના નમુના નં. ૨૬ના ભાગ-ખથી પેરા ૧૧ (પેઈજ -૨૫)ની કોલમ ૫માં સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે કોર્ટ બે વર્ષ કે તેથી વધારે કેદની જોગવાઈ પાત્ર ગુનાઓ માટે આરોપ ઘડ્યા હોય તેવા ગુનાની સંખ્યા ૧ છે અને કોર્ટે ગુનાની નોંધ લીધી હોય તેવા પડતર કેસોની સંખ્યા ૧૦૭ છે. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આટલા કેસો કોર્ટમાં નોંધાયેલા હોય તેવા પ્રદેશ પ્રમુખ દીવો લઈને શોધવા જઈએ તો પણ મળે નહીં તેવા ‘ઉજ્જવળ’ કારકીર્દીવાળા મહાનુભાવને ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા અને ત્રણ વખત લોકસભાની ટીકીટ પણ આપી. આ સિવાય પણ સી.આર. પાટીલની કારકીર્દી ખુબ જ ઉજ્જવળ રહી છે. મોદી સાહેબને રસ્તે ચાલીને તેઓએ અભ્યાસમાં પણ ઉજ્જવળ કારકીર્દી બનાવી હતી. તેઓ ધો-૧૧માં ‘ઉંચા’ માર્કસ સાથે નાપાસ થયા હતા અને આઈ.ટી.આઈ.માં ટર્નરની ટ્રેનીંગ મેળવીને ૧૯૭૫માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભરતી થયા હતા. ગેરકાયદેસર દારૂની હેરફેરમાં તેઓની સંડોવણી બહાર આવતાં તેમની ધરપકડ કરીનેે છ વર્ષ માટે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પોલીસ યુનિયનની રચના કરવાના પ્રયાસ સંદર્ભે તેઓને ફરીથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ૧૯૯૫માં ઓકટ્રોય ચોરીનો કેસ પણ તેઓની સામે થયો હતો.
૨૦૦૨ની સાલમાં માધવપુરા બેંક સહિત ભારતીય જનતા પક્ષના આગેવાને એ સહકારી બેંકોનાં કૌભાંડો કરીને લગભગ ૭૦ જેટલી સહકારી બેંકોને ડૂબાડી હતી. સુરતની ડાયમંડ જ્યુબીલી બેંકમાંથી રૂા.૯૪ કરોડની લોન કૌભાંડને કારણે સી.આર.પાટીલની ધરપકડ કરીને તેઓને જેલમાં મોકલ્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ સી.આર. પાટીલની ‘સેવાઓની’ નોંધ લઈને તેઓને ગુજરાત સરકાર ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમીકલ્સ કાું.લી.ના ચેરમેન બનાવ્યા હતા. તે દરમ્યાન સચીન સુરતમાં ૪૮ એકર જમીનમાં ૬૫ હજાર ફલેટ બનાવવાની વિવાદાસ્પદ યોજના બનાવી હતી.