અમદાવાદ,તા.૧૧
રાજયમાં કોરોનાનો કેર છે બીજી તરફ કોરોનાનું સંક્રમણ પણ વધી રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી અને સરકારના મંત્રીઓ દ્વારા માસ્ક પહેરવા વારંવાર અપીલ કરવામાં આવે છે વળી માસ્ક ન પહેરનારને દંડ પણ કરાય છે, ત્યારે ભાજપના શાસનમાં કડક દારૂબંધીની અનેકવાર ગુલબાંગો પોકારવામાં આવે છે. ત્યારે દારૂબંધી સોશિયલ ડિસ્ટન્સિંગ અને ફરજિયાત માસ્ક પહેરવાની વાતોના ભાજપના જ યુવા નેતાની બર્થ-ડેમાં લીરેલીરા ઉડયા હતા. મહિસાગરના ભાજપના યુવા મોર્ચાના એક નેતાના બર્થ-ડે સેલિબ્રેશનમાં ગુજરાતની દારૂબંધી સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક વગેરે નિયમોને જાણે કચરાપેટીમાં નાખી દેવાયા હતા. આ પાર્ટીમાં હાજર કોઈ શખ્સે માસ્ક પહેર્યું ન હતું અને પાણીની જેમ બિયર ઉડાવવામાં આવી હતી. હવે પાર્ટીનો વીડિયો સામે આવ્યા પછી પોલીસે તપાસ શરૂ કરી છે. વીડિયોમાં સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે કે, પ૦થી વધુ યુવક ભેગા થયા છે. જે બુમો પાડી રહ્યા છે અને શેમ્પેઈનની જેમ બર્થ-ડે બોય પર બિયર ઉડાવે છે. બાદમાં તે તલવારની મદદથી કારના બોનેટ પર મુકાયેલી કેકને એક એક કરીને કાપે છે. આ દરમ્યાન કોઈના ચહેરા પર કોરોના, પોલીસનો, કાયદાનો કે ખુદ પોતાના માતા-પિતાનો જરા પણ ખૌફ જોવા મળતો ન હતો. સોશિયલ ડિસ્ટન્સિંગની વાત તો છોડો કોઈએ માસ્ક પણ પહેરવાનું જરૂરી સમજયું ન હતું.
મળતી માહિતી મુજબ પાર્ટી મહિસાગરના ભાજપના યુવા મોર્ચા નેતા કેવન પટેલની બર્થ-ડેને લઈનેા આયોજીત કરાઈ હતી. જેનું આયોજન ગુજરાત યુવક બોર્ડ, મહિસાગર જિલ્લા કન્વીનર યોગેન્દ્ર મહેરા દ્વારા કરવામાં આવી હતી. ગુજરાત રાજય યુવક બોર્ડના સદસ્ય પાર્ટીમાં સામેલ થયા હતા. જયાં ન ફકત તલવારથી કેક કપાઈ, પણ બિયરની બોટલોથી પણ કેવનનો બર્થ-ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. ગુજરાત હાલ કોરોના મહામારીના ભરડામાં છે. સરકાર સતત લોકોને સંક્રમણ ન વધે તે માટે કાર્યો કર્યા કરે છે, પણ આવી બર્થ-ડે પાર્ટીમાં હાજર તમામ લોકો પૈકી એક વ્યકિતએ માસ્ક પહેર્યું ન હતું કે ન કોઈએ સોશિયલ ડિસ્ટન્સિંગની પરવાહ કરી, એટલું જ નહીં ગુજરાત સરકાર દ્વારા કરાયેલા દારૂબંધીના દાવાઓને આ કાર્યકરોએ જાહેરમાં ખોટા પાડી દીધા હતા. જનતા માટે જવાબદાર પદ પર બેઠેલા વ્યકિતની બર્થ-ડે પાર્ટીમાં દારૂ અને આ પ્રકારનું સેલેબ્રેશન થવાને લઈને રાજયની કાયદા વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. આમ દારૂબંધી અને સુશાસનની મોટી-મોટી વાત કરનાર સરકારના શાસનમાં જ દારૂબંધી અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની બાબતોના રીતસરના લીરેલીરા ઉડયા હતા.