(એજન્સી) નવી દિલ્હી, તા.૬
એક વધુ દલિત સાંસદે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે મોરચો ખોલ્યો છે. ઈટાવાના સાંસદ અશોકકુમાર દોહરેએ વડાપ્રધાન મોદીને પત્ર લખી ફરિયાદ કરી છે કે રાજ્યમાં પોલીસ દલિતોને પકડી-પકડીને મારઝૂડ કરી રહી છે. આ પહેલાં રોબર્ટગંજ દલિત સાંસદ છોટેલાલે પણ યોગી સરકાર સામે ફરિયાદ કરતો પત્ર વડાપ્રધાન મોદીને લખ્યો હતો. તેમનો આરોપ હતો કે યોગી સરકાર દલિતોની અવગણના કરે છે. તેથી યોગીને મુખ્યમંત્રી પદેથી બદલવા જોઈએ. છોટેલાલે કહ્યું કે, તેઓ જ્યારે યોગીને મળ્યા ત્યારે તેમને અપમાનિત કરી ફટકાર લગાવાઈ હતી. જે મુખ્યમંત્રી પોતાની બેઠક બચાવી શક્યા નથી તેમને હટાવવા જોઈએ. દલિત સાંસદ અશોક દોહરે વડાપ્રધાનને પત્ર લખી ફરિયાદમાં તેમણે આરોપ મૂક્યો છે કે ર એપ્રિલના ભારત બંધના એલાન બાદ એસસી-એસટી વર્ગના લોકોને યુપી સહિત બિનરાજ્યોમાં સરકારો અને સ્થાનિય પોલીસ જૂઠા કેસોમાં ફસાવી રહી છે અને તેમના પર અત્યાચારો થાય છે. પોલીસ જાતિવાચક શબ્દો બોલી લોકોને ઘરોમાંથી બહાર કાઢી મારપીટ કરે છે. તેથી આ વર્ગોમાં ગુસ્સો અને અસુરક્ષાની ભાવના વધતી જાય છે. રોબર્ટગંજના સાંસદ દલિત નેતા છોટેલાલે પણ અગાઉ વડાપ્રધાન મોદીને પત્ર લખી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે ફરિયાદ કરી હતી. તેમણે પ્રદેશ પ્રમુખ મહેન્દ્રનાથ પાંડે અને ભાજપ નેતા બંસલને પણ ફરિયાદ કરી જણાવ્યું હતું કે જિલ્લાના અધિકારીએ તેમનું ઉત્પીડન કરે છે. આ પહેલાં યુપી ભાજપના દલિત સાંસદ સાવિત્રીબાઈ ફૂલેએ પણ મોદી સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. સહયોગી ઓમપ્રકાશ રાજભર પણ મુખ્યમંત્રી યોગીથી નારાજ હતા. એસસી-એસટી એક્ટ અંગે સાવિત્રીબાઈ ફૂલેએ સુપ્રીમના ચુકાદાની ટીકા કરી હતી. દલિત સાંસદ છોટેલાલે આરોપ મૂક્યો છે કે યુપીમાં પોલીસ દલિતોને પકડી મારઝૂડ કરે છે. તેમણે કહ્યું કે જે મુખ્યમંત્રી પોતાની બેઠક જીતી શક્તા નથી તેમને હટાવવા જોઈએ.