(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૪
હાલમાં જ્યારે રાજ્યમાં ભાજપનું સાશન છે ત્યારે ભાદરણ ગ્રામ પંચાયતના પુર્વ સરપંચ અને આણંદ જિલ્લા ભાજપના મંત્રીને ન્યાય મેળવવા માટે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડી છે અને તેઓએ આ અંગે મામલતદાર સહિત ઉચ્ચ અધિકારીઓને પત્ર લખી આવતી કાલથી ભાદરણ પોલીસ મથક સામે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.
મળતી વિગતો અનુસાર ભાદરણ ગ્રામ પંચાયતના પુર્વ સરપંચ અને આણંદ જિલ્લા ભાજપના મંત્રી પારૂલબેન સુભાષભાઈ વણકરના ભાભી કવિતાબેને ભાદરણ પોલીસ મથકે અરજી કરી હતી. જેમાં તેઓના ફળિયાના વિનોદભાઈ નાનજીભાઈ પરમાર, જશભાઈ અંબાલાલ પરમાર અને કેહીલ ભીખાભાઈ મકવાણા, અરવિંદભાઈ નાનજીભાઈ પરમાર સાથે ઝઘડો થતાં ભાદરણ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. દરમિયાન વિનોદભાઈ નાનજીભાઈ પરમારનાઓએ ભાદરણ પોલીસ મથકે પારુલબેન સુભાષભાઈ વણકર વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં પોલીસે સાક્ષી તરીકે અરવિંદભાઈ નાનજીભાઈ પરમારનું નીવેદન લીધું હતું પરંતુ કવિતાબેનની ફરિયાદમાં અરવિંદભાઈ આરોપી હોવા છતાંય પોલીસે તેની ધરપકડ કરી ન હતી અને તેણે નાસતો ફરતો બતાવી ૬-૧૧-૨૦૧૭ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. પારુલબેન પર હુમલો થતાં આ બાબતે ઝઘડો થતાં તેમના પુત્ર પાર્થને ધો.૧૦ની પરીક્ષા આપવામાં ખુબ જ તકલીફ પડી હતી. અને પાર્થનું ભવિષ્ય બગાડવાના ઈરાદે ફરિયાદમાં તેમનું નામ લખાયેલું હતું તેમજ અરવિંદભાઈ નાનજીભાઈ પરમાર, વિનોદભાઈ નાનજીભાઈ પરમાર, કેહીલ ભીખાભાઈ દારૂ પીધેલી હાલતમાં હોવા છતાં તેમની વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી તેમજ તપાસ કરનાર અધિકારીએ આરોપીઓ સાથે મળી જઈ કેટલાક નામો ફરિયાદમાંથી કાઢી નાંખ્યા હતા. જેથી પારૂલબેનએ ભાદરણ પોલીસ મથકમાં ફરજ બજાવતાં વીનુભાઈ રમણભાઈ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી અને આ અંગે મુખ્યમંત્રી કાર્યાલય સમક્ષ પણ રજૂઆત કરી હતી. જે અંગે મુખ્યમંત્રીના કાર્યાલયે પણ ન્યાયીક ઉકેલ લાવવા પોલીસ અધિક્ષકને પત્ર લખ્યો હતો. તેમ છતાંય કોઈ કાર્યવાહી નહી થતાં પારુલબેન પરમાર આવતી કાલ સવારથી ભાદરણ પોલીસ મથક સામે આમરણાંત ઉપવાસનો પ્રારંભ કરનાર છે.