(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
મધ્યપ્રદેશમાં દેવાસના ભાજપના સાંસદ મનોહર ઉંતવાલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહની પત્ની સામે અપમાનજનક ટિપ્પણી કરી છે. ભાજપના સાંસદે દિગ્વિજયસિંહની પત્નીને ‘આઇટમ’ ગણાવ્યા બાદ ખુલાસો કર્યો છે. ઉંતવાલે કહ્યું કે દિગ્વિજયસિંહે મધ્યપ્રદેશમાં કશું જ કર્યું નથી પરંતુ દિલ્હીથી એક આઇટમ જરુર લઇ આવ્યા છે. નર્મદા યાત્રાએ નીકળી ગયા છે. હવે કહી રહ્યા છે કે સાધુઓને લાલ લાઇટ આપી દીધી, તેનાથી તેમને તકલીફ છે. પોતાની વિવાદાસ્પદ ટિપ્પણી પર વિવાદ વકરતો જોઇને હવે ભાજપના સાસંદ ખુલાસો કરવા લાગ્યા છે કે હું દિગ્વિજયસિંહનો ભારે આદર કરુ છું અને મહિલાઓની પણ બહુ ઇજ્જત કરું છું. મારા નિવદેનને વિકૃત રીતે રજૂ કરવામાં આવ્યું છે. હું દિગ્વિજયસિંહની પત્ની વિશે વાત કરી રહ્યો ન હતો. ભાજપના એક પછી એક નેતાઓ પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં છે ત્યારે મનોહર ઉંતવાલનું દિગ્વિજયસિંહની પત્ની વિશે શરમજનક નિવેદન આવ્યું છે. આશ્ચર્યજનક બાબત તો એ છે કે ઉંતવાલે જ્યારે આ વિવાદાસ્પદ ટિપ્પણી કરી ત્યારે મંચ પર દેવાસનાં મહિલા ધારાસભ્ય ગાયત્રી રાજે પવાર ઉપસ્થિત હતાં. ભાજપના સાંસદે પહેલા મંચ પર રામાયણના કિસ્સા સંભળાવ્યા અને કાર્યકરોએ તેમની ભારે પ્રશંસા કરી પરંતુ ઓચિંતા તેમના મોઢેથી દિગ્વિજયસિંહની પત્ની માટે આઇટમ શબ્દ નીકળી ગયો ત્યારે મંચ પર ઉપસ્થિત રહેલા કોઇ પણ નેતાએ તેની સામે વાંધો ન ઉઠાવ્યો. તે વખતે મંચ પર મધ્યપ્રદેશ સરકારના પ્રધાન દીપક જોશી, ગાયત્રી રાજે પવાર અને જિલ્લા ભાજપના નેતા પણ ઉપસ્થિત હતા. અગાઉ, બૈરિયાના ભાજપના ધારાસભ્ય સુરેન્દ્રસિંહે કહ્યું હતું કે ત્રણ સંતાનોની માતા સાથે કોઇ રેપ કરી શકતો નથી. ઉન્નાવ ગેંગરેપના આરોપી ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરના બચાવમાં તેમણે આ નિવેદન કર્યું હતું. કોંગ્રેસે તાજેતરમાં જણાવ્યું હતું કે દિગ્વિજયસિંહે તેમની નર્મદા યાત્રા દરમિયાન મધ્યપ્રદેશ સરકારમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારના પુરાવા એકત્રિત કર્યા છે અને ભ્રષ્ટાચારના આ પુરાવાઓ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
ભાજપના સાંસદે દિગ્વિજયસિંહની પત્નીને ‘આઇટમ’ ગણાવીને વિવાદ સર્જ્યો

Recent Comments