અરૂણાચલમાં ચીન દ્વારા ગામ વસાવવું કોઇ નવી વાત નથી : ભાજપ સાંસદ તાપિર ગાવો
લદ્દાખ સૈન્ય સંઘર્ષ બાદ પીએમ મોદીએ કહ્યું હતું કે, ચીને ભારતની એક ઇંચ જમીન પર પણ કબજો કર્યો નથી અને ભારત તેને ક્યારેય કબજો કરવા દેશે નહીં

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૯
સેટેલાઇટ તસવીરોથી જાણવા મળ્યું છે કે, ચીને એલએસીની ૪.૫ કિલોમીટર અંદર અરૂણાચલ પ્રદેશમાં આખું ગામ વસાવી દીધું છે. આ વિસ્તાર અરૂણાચલના સુબનસિરી જિલ્લામાં છે. આ ગામ ભારતની સરહદી સુરક્ષા માટે અત્યંત જોખમી છે. આ મામલે ભાજપના સાંસદ તાપિર ગાવો લાજવાને બદલે ગાજી રહ્યા છે અને કહે છે કે, ચીને આશરે ૧૦૧ મકાનો બનાવી લીધા છે. ત્યારબાદ કોંગ્રેસે પણ કેન્દ્ર સરકારને ઘેરતા કહ્યું હતું કે, આ બધું ભાજપના શાસનમાં થયું છે અને આ માટે પૂર્વ સરકારો પર આરોપો ના મુકો. ગાવોએ કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં ખોટી નીતિઓ હતી. પહેલાની સરકારોએ ચીનની સરહદો સુધી માર્ગનું નિર્માણ કર્યું નહીં તેથી ચીને અહીં નિર્માણ કરવાની તક ઝડપી લીધી. નવા ગામોનું નિર્માણ કોઇ નવી વાત નથી. આ બધું કોંગ્રેસના સમયમાં થવા લાગ્યું હતું. તેમણે કહ્યું કે, ચીન ૮૦ના દશકથી માર્ગ બનાવી રહ્યું છે. લોંગઝૂથી માઝા સુધી સડક બની ગઇ છે. આ બધું રાજીવ ગાંધીના સમયમાં થયું હતું. ગાવોએ કહ્યું કે, ૮૦ના દશકમાં જ ચીને સતત કબજો કર્યો હતો. તેણે બીસા અનએ માઝા વિસ્તારમાં સૈન્ય બેઝ બનાવી લીધું હતું. આ મેકમોહન લાઇનની અંદર છે. બીજી તરફ રાહુલ ગાંધીએ પણ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યંું છે કે, મોદી પોતાનો વાયદો યાદ કરે જેમાં તેઓ કહેતા હતા કે, હું દેશ ઝૂકવા નહીં દઉં. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લદ્દાખમાં સૈન્ય સંઘર્ષ બાદ જણાવ્યું હતું કે, ચીને ભારતની કોઇ જમીન પર કબજો કર્યો નથી અને તેને ક્યારેય કબજો કરવા દેશે પણ નહીં.