(એજન્સી) તા.૭
ભાજપના વરિષ્ઠ સાંસદ વિનય કટિયારે બુધવારે કહ્યું હતું કે, મુસ્લિમોનું ભારતમાં કોઈ કામ નથી અને તેઓએ પાકિસ્તાન અથવા બાંગ્લાદેશમાં રહેવા માટે જતાં રહેવું જોઈએ. ૬૩ વર્ષીય રાજ્યસભા સાંસદ કે જે અયોધ્યામાં બાબરી મસ્જિદની જગ્યા પર રામ મંદિરના મુખ્ય આંદોલનકારીઓમાંથી એક હતા. તેમણે મુસ્લિમોને દેશના ભાગલા માટે જવાબદાર ગણાવ્યા હતા અને જેઓ ‘વંદે માતરમ્‌’ અને રાષ્ટ્રીય ધ્વજનો આદર નથી કરતાં તેમના માટે સખ્ત સજાની માગણી હતી. કટિયારની આ ટિપ્પણી અસદુદ્દીન ઓવૈસીના નિવેદન પછી આવી હતી. જેમણે માગણી કરી હતી કે ભારતીય મુસ્લિમોને ‘પાકિસ્તાની’ કહેવા બદલ ત્રણ વર્ષની સજા થાય એવો કાયદો બનાવવામાં આવે. ઓવૈસીએ કહ્યું હતું કે, ભારતીય મુસ્લિમને ‘પાકિસ્તાની’ કહેવું અપમાનજનક છે કારણ કે તેઓએ મોહમ્મદ અલી ઝીણાની બે દેશોની થિયરી નકારી કાઢી હતી અને ભારતમાં રહ્યા હતા. આ વિશે પ્રતિક્રિયા આપતાં કટિયારે કહ્યું હતું કે મુસ્લિમોએ આ દેશમાં ન રહેવું જોઈએ. તેઓએ વસ્તીના આધારે આ દેશના ભાગલા પડાવ્યા હતા, તો શા માટે તેઓ અહીંયા છે ? મુસ્લિમોને તેમનો હિસ્સો આપી દેવામાં આવ્યો છે. તેમણે બાંગ્લાદેશ અથવા તો પાકિસ્તાન જતાં રહેવું જોઈએ. કટિયારે આ પણ માગણી કરી હતી કે જેઓ વંદે માતરમ્‌નો આદર નથી કરતાં અને રાષ્ટ્રધ્વજનું અપમાન કરે છે તેમને સજા આપવા માટે સંસદમાં નવો કાયદો બનાવવો જોઈએ. ગયા અઠવાડિયે કટિયારે આક્ષેપ કર્યો હતો કે કાસગંજ હિંસા પાછળ પાકિસ્તાની તત્ત્વોનો હાથ છે. તેમણે આમ કહીને પણ વિવાદ ઊભો કર્યો હતો કે તાજમહેલ મંદિરની જગ્યાએ બાંધવામાં આવ્યું છે અને તેનું નામ બદલીને તેજો-મંદિર કરી દેવું જોઈએ.
એ.આઈ.એમ.આઈ.એમ.ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ભારતીય મુસ્લિમોને પાકિસ્તાની કહેનારને જેલ થવી જોઈએ
(એજન્સી) તા.૭
ઓલ ઈન્ડિયા મજલીસ-એ-ઈત્તેહાદુલ-મુસ્લિમિનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ મંગળવારે માગણી કરી હતી કે કેન્દ્ર સરકાર દ્વારા નવો કાયદો બનાવવામાં આવે જે મુજબ ભારતીય મુસ્લિમોને પાકિસ્તાની કહેવા બદલ સજા આપવામાં આવે. લોકસભામાં ચર્ચા દરમિયાન ઓવૈસીએ કહ્યું કે આ નવા કાયદા અંતર્ગત દોષી જાહેર થાય તેમને ત્રણ વર્ષની સજા કરવામાં આવે.પરંતુ તેમણે આમ પણ કહ્યું હતું કે મોદી સરકાર સંસદમાં આવા બિલ લાવવા માટે ઉદાસીન છે. ઓવૈસીએ કહ્યું હતું કે ત્રણ તલાક બિલ મહિલા વિરોધી છે. એક ન્યુઝ ચેનલના અહેવાલ અનુસાર હૈદરાબાદની ઓવૈસી હોસ્પિટલમાં ૯ અને ૧૦ ફેબ્રુઆરીના દિવસે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા એક મીટિંગ યોજવામાં આવી છે જેમાં તેના પ૦થી વધારે સભ્યો ભાગ લેશે અને ત્રણ તલાકના મુદ્દા વિશે ચર્ચા કરશે.