(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા.૧૯
માંગરોળ નગરપાલિકાની મતગણતરી શારદાગ્રામ ખાતે બીઆરએસ કોલેજ માં સવારથી મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં વોર્ડ નંબર ૧મા કોંગ્રેસના પીઢ નેતા યુસુફ પટેલે ૧૭૫૭ મતોથી વિજય મેળવ્યો હતો. સાથે તેની પેનલના ચારેય ઉમેદવારોનો વિજય થતાં કોંગ્રેસના નામે બોણી થઈ હતી. વોર્ડ નંબર ૨ અને ૩મા ભાજપના ચારેય ઉમેદવારોની પેનલે વિજય મેળવ્યો હતો જ્યારે બંદરના વોર્ડ નંબર ૫મા પહેલાથી જ ભાજપના ૪ ઉમેદવારો બિનહરીફ હોવાથી શરૂઆતમાં જ ભાજપે ૧૨ સીટો મેળવી લીધી હતી. પરંતુ વોર્ડ નંબર ૪ અને ૬મા મુસ્લિમ અપક્ષોમાંથી ૮ કોંગ્રેસ પ્રેરિત અપક્ષ ઉમેદવારોનો વિજય થતાં કોંગ્રેસ ભાજપની સરખી સિટો થઈ ગઈ હતી. ત્યારબાદ આખા શહેરે જેમાં મીટ માંડી હતી તેવા વોર્ડ નંબર ૭ની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આ વોર્ડમાં અન્ય કોઈ પણ ઉમેદવાર ન હોવાથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી જંગ હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવાર અને પાલિકાના પ્રમુખ મનિષ ગોહેલ ૨૦૯૮ અને તેની સાથે કોંગ્રેસની મુસ્લિમ મહિલા ઉમેદવાર ફાતમાબેન ખાદીમ ૨૧૩૨ મતોથી વિજેતા થયા હતા. પરંતુ બીજી મહિલા બેઠક પર ભાજપના પાર્વતીબહેન ખોરાવા અને કોંગ્રેસના શોભનાબહેન ગોહેલ વચ્ચે સરખા ૧૯૬૧ મતો નીકળતા ટાઈ થઈ હતી. જેમાં ચીઠ્ઠી નાખતા ભાજપના પાર્વતીબહેન વિજય જાહેર થયા હતા. અહીં બીજી પુરૂષ બેઠક પર ઘણી અસમંજસ સર્જાઈ હતી. કેમ કે, પ્રથમ અનુસુચિત જાતિ અનામત બેઠક પર મનિષભાઈ ગોહેલ, ભાણજી પાલા ગોહેલ સામે વિજય જાહેર થયા હતા જ્યારે વેલજી મસાણીને ૧૯૧૫ મતો સામે સુલેમાન મધ્યાના ૧૯૩૯ મતો નીકળતા સુલેમાન મધ્યા વિજય ગણાતા હતા, પરંતુ અનામત બેઠક મનિષ ગોહેલ સામે હારેલા ભાણજીના ૧૯૯૫ મતો હોવાથી તેને જનરલ બેઠક સાથે સરખાવતા સુલેમાન મધ્યા સામે ભાજપના ભાણજી પાલાને વિજય જાહેર કર્યા હતા. આમ આ વોર્ડમાં ભાજપ ચારેય બેઠકો હારી જવા છતાં નસીબ જોગે બે બેઠકો મેળવી લીધી હતી. ભાજપના ધૂરંધર અને માંગરોળના રાજકારણમાં ચાણક્ય ગણાતા વેલજી મસાણીની ૨૪ મતે પરાજય થતા કોંગી સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વોર્ડ નંબર ૮મા કોંગ્રેસના ઉમેદવાર અને પાલિકાના પૂર્વ પ્રમુખ મો.હુસેન ઝાલા અને તેની પેનલે વિજય મેળવ્યો હતો એવી જ રીતે વોર્ડ નંબર ૯ પણમા કોંગ્રેસની પેનલે વિજય મેળવતા કોંગ્રેસના ૧૪ અને કોંગ્રેસ પ્રેરિત ૮ મુસ્લિમ અપક્ષો જીતી જતા ૨૨ સદસ્યો સાથે કોંગ્રેસ પાલિકામાં સત્તા બનાવશે જ્યારે ભાજપનો ૧૪ પર રથ અટકી જતા વિપક્ષમાં બેઠવાનો વારો આવ્યો છે. માંગરોળ પાલિકાની ૩૬ બેઠકોમાંથી કોંગ્રેસના સિમ્બોલ પર ૧૨ અને અપક્ષમાંથી ૮ મળી કુલ ૨૦ મુસ્લિમ ઉમેદવારો વિજય થયા છે. માંગરોળના કહેવાતા કીંગમેકર અને કોંગ્રેસના પીઢ નેતા યુસુફ પટેલે આને એકતા અને શાંતિની જીત બતાવી હતી. લોકોએ હિન્દુ-મુસ્લિમ એકતા ઝીંદાબાદના નારા પણ લગાવ્યા હતા. મતગણતરીની રાત્રે જ મુસ્લિમો અને ખારવા વચ્ચે ઘર્ષણ થઈ ગયું હોવાથી શહેરમાં તનાવ ભર્યું વાતાવરણ હોવાથી આ જીતની ખુશીને શાંતિથી સમેટી લીધી હતી.
ભાજપના ૧૪ કોંગ્રેસના ૧૪ તથા કોંગ્રેસ પ્રેરિત ૮ અપક્ષ ઉમેદવારો ચૂંટાયા

Recent Comments