(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.ર૭
રાજયસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસમાંથી રાજીનામું આપી પક્ષ છોડનાર આઠ ધારાસભ્યો પૈકી પાંચ જણાએ આજે વિધિવત ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. જયારે અન્ય ત્રણ સભ્યોએ તેમ ન કરતા ચર્ચા થઈ રહી છે ત્યારે ભાજપની જ ગણતરી મુજબ ખેસ ધારણ ન કરનાર આ ત્રણેય સભ્યો પેટાચૂંટણી બાદ ભાજપ પ્રવેશ કરશે તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે.
રાજયસભાની ચૂંટણી પહેલા સોમા પટેલ, મંગળ ગાવિત અને પ્રવિણ મારૂએ રાજીનામું આપ્યું હતું. આ ત્રણેય નેતાઓ હાલમાં ભાજપમાં જોડાવવાના નથી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બે મહિના બાદ યોજાનારી પેટાચૂંટણી પછી ત્રણેય પૂર્વ ત્રણેય પૂર્વ ધારાસભ્યો ભાજપમાં વિધિવત રીતે જોડાશે. ત્રણેય પૂર્વ ધારાસભ્યની ઈમેજને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા નિર્ણય કરાયો છે. ચૂંટણી સમયે પણ ત્રણેય પૂર્વ ધારાસભ્યો ભાજપ તરફી પ્રચાર નહીં કરે તેમ નક્કી કરાયું છે મતદારોમાં નેગેટીવ મેસેજ ન જાય તે માટે ભાજપ દ્વારા આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળેલ છે. મહત્વનું છે કે લીંબડીમાં સોમા પટેલની ઈમેજથી ભાજપને ફટકો પડી શકે છે. જયારે મંગળ ગાવિતના જોડાવાથી ભાજપને નુકસાન થાય તેવી શકયતા છે. સાથે જ પ્રવિણ મારૂથી લોકો નારાજ હોવાની વાતને લઈ ભાજપએ ગણતરીપૂૂર્વક આ ત્રણેય સભ્યોનો ભાજપ પ્રવેશ હાલ પૂરતું મુલતવી રાખેલ હોવાની વિગતો સૂત્રો તરફથી જાણવા મળી છે.