(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા.૧૭
તાજેતરમાં ભાજપની ગૌરવ વિકાસયાત્રા માંગરોળ તાલુકાના મોસાલી ગામે આવી હતી અને મોસાલી ખાતે જાહેરસભા રાખવામાં આવી હતી. આ જાહેરસભામાં રાજ્યના વનમંત્રી ગણપતસિંહ વસાવા પ્રવચન કરવા ઊભા થયા ત્યારે મંડપમાંથી સ્ટેજ તરફ ઈંડા ફેંકવાનો બનાવ બન્યો છે. આ બનાવ બનતા સભા મંડપમાં થોડા સમય માટે ધમાચકડી મચી જવા પામી હતી. આ બનાવમાં પાંચ શખ્સોને માર મારવામાં આવ્યો હતો. માર ખાનારા બીટીએસના કાર્યકરો હતા. આ કાર્યકરોને ભાજપના કાર્યકરોએ માર્યા હતા. મારા ખાનારાઓ દ્વારા ભાજપના કાર્યકરો સામે એફઆઈઆર દાખલ કરવા ગત તા.૧૪ના રાત્રીના જ ફરિયાદ આપી છે છતાં હજુ સુધી માંગરોળ પોલીસે આ કોઈ કાર્યવાહી ન કરતાં આજે તારીખ ૧૭/૧૦/૧૭ના માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ પ્રશ્ને માંગરોળના મામલતદાર કે.ડી. કોળીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
રાજ્યના રાજ્યપાલને સંબોધીને તૈયાર કરાયેલા આ આવેદનપત્રમાં જણાવાયું છે કે વનમંત્રી ગણપતસિંહ વસાવાએ સ્ટેજ ઉપરથી માઈકમાં મારો મારો આજે લુખ્ખા ડૂબરાઓને છોડતા નહીં. આજે પૂરું જ કરી દેજો એવી ઉશ્કેરણીજનક ખતરનાક આદેશને કારણે ત્યાં ઉપસ્થિત લોકોએ નિર્દોષ યુવાનોને મરણતોલ માર મારેલ ભાજપના કાર્યકરો તથા ગુંડાઓ મારફતે યુવાનોને મારી નાખવાના પ્રયત્નો કરેલા પરંતુ ફરજ ઉપરની પોલીસે પોતાના જાનના જોખમે આ યુવાનોને બચાવ્યા હતા. ઈજાગ્રસ્ત યુવાનો ફરિયાદ આપવા માંગરોળ પોલીસ મથકમાં ગયેલા પરંતુ તેમની ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. જેથી વનમંત્રી ગણપતસિંહ વસાવાએ માઈક મારફતે જાહેરમાં ઉશ્કેરણી કરી છે જેથી તેમના મળતિયા તથા વનમંત્રી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માંગ કરાઈ છે. આ પ્રસંગે શામજીભાઈ ચૌધરી, ઈરફાન મકરાણી, રૂપસીંગ ગામીત, પ્રકાશ ગામીત, સુંદર વસાવા, ઈરફાન લીંબાડા, જીગર પટેલ હાજર રહ્યા હતા.