અમદાવાદ, તા.૮
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ દ્વારા આવતીકાલ તા.૯-૮-ર૦૧૮ને ગુરૂવારના રોજ રાષ્ટ્રીય તિરંગાધ્વજ સાથે તિરંગા માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ૯ ઓગસ્ટના રોજ ભારત છોડો ચળવળની શરૂઆત કરી હતી. આથી સેવાદળ દ્વારા ક્રાંતિ દિવસની ઉજવણીના ભાગરૂપે લાલદરવાજા શહીદ સ્મારકની પાલડી કોંગ્રેસ કાર્યાલય સુધી આ તિરંગા માર્ચ યોજાશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠક મંગલસિંહ સોલંકીએ જણાવ્યું છે કે ભાજપની ભાગલાવાદી રાજનીતિના વિરોધમાં કોંગ્રેસ સેવાદળ દ્વારા આ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસના હોદ્દેદારો, ધારાસભ્યો શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
આ તિરંગા રેલી લાલદરવાજા બદ્ર શહીદ સ્મારકથી શરૂ થઈ રૂપાલી સિનેમા પહોંચશે. જ્યાં પૂર્વ વડાપ્રધાનો ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની પ્રતિમાને ફુલહાર કરી સરદારબાગમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને અને ઈન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરી પુષ્પાંજલિ કરશે ત્યારબાદ તિરંગા માર્ચ પ્રદેશ કોંગ્રેસ સમિતિ કાર્યાલયમાં આવશે જ્યાં રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલી કરી કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરશે. સેવાદળના મંગલસિંહ સોલંકીના જણાવ્યા મુજબ દેશની એકતા અને અખંડતા કોઈપણ ખંડિત કરી શકશે નહીં. ભારત દેશમાં ગામેગામની ગલી ગલીમાં રાહુલ ગાંધીના સંદેશને સેવાદળના માધ્યમથી પહોંચાડીશું.