સાવરકુંડલા, તા.૧૪
દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ રાજનીતિના કહેવાતા ચાણકય અમિત શાહની બોલતી બંધ કરી ના છે, એટલું જ નહીં મોેં બતાવી શકે એવ સ્થિતિ પણ રહેવા દીધી નથી. તેમ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે એક નિવેદનમાં જણાવ્યું છે.
શ્રી ઠુંમરે વધુમાં જણાવ્યુ કે, લોકસભા અને રાજ્યસભામાં વિવાદિત નાગરિકતા સંશોધન કાનૂન પાસ કર્યા પછી યોજાયેલ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને ગૃહપ્રધાન અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત કેન્દ્રના લગભગ તમામ પ્રધાનો અને સેંકડોની સંખ્યામાં સંસદસભ્યોએ બહુ જ આક્રમક પ્રચાર કર્યો હતો. એડી ચોટીનું જોર લગાવ્યું, સરકારી મશીનરીનો બેફામ દુરૂપયોગ કર્યો, હિન્દુ મતદારોને રાજી રાખવા લઘુમતી વિરૂદ્ધ વારંવાર ઝેર ઓકવામાં આવ્યું અને રીતસર નફરતનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું પરંતુ રાજનીતિને ખૂબ જ નજીકથી જોનારા દિલ્હીના શાણા મતદારોએ ભાજપની વિભાજનકારી રાજનીતિને ફગાવી દઈ મોદી અને શાહનો ઘમંડ ઉતારી નાખ્યો છે.
શ્રી ઠુંમરે વધુમાં એમ પણ જણાવ્યું કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સીએએની વાતો એટલી હદ સુધી કરી હતી કે મતદાન મથકમાં ઈવીએમનું બટન એટલું જોરથી દબાવશો કે તેનો કરંટ શાહીનબાગ સુધી પહોંચે. ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હી વિધાનસભાની ચૂંટણીને કેજરીવાલ વિરૂદ્ધ અમિત શાહ વચ્ચે પ્રતિષ્ઠાભર્યો ચૂંટણી જંગ બનાવી દીધો હતો પરંતુ દિલ્હીના શાણા મતદારોએ રાજનીતિના કહેવાતા ચાણક્ય અમિત શાહની તમામ વ્યૂહરચાનાઓને નિષ્ફળ પુરવાર સાબિત કરી છે.